એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) રવિ નારાયણની કો-લોકેશન કૌભાંડના સંબંધમાં ધરપકડ કરી હતી. નારાયણ એપ્રિલ 1994 થી માર્ચ 31, 2013 સુધી NSE ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતા. ત્યારબાદ, તેઓ 1 એપ્રિલ 2013 થી 1 જૂન 2017 સુધી કંપનીના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ કેટેગરીમાં વાઈસ-ચેરમેન તરીકે નિયુક્ત થયા હતા.
શું આક્ષેપ છે રવિ નારાયણ ઉપર ?
સૂત્રોના જણાવ્યા અનુસાર નારાયણ પર 2009 અને 2017 વચ્ચે NSE કર્મચારીઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવાનો આરોપ છે. ઈડીએ 14 જુલાઈએ નારાયણ, ભૂતપૂર્વ NSE ચીફ ચિત્રા રામકૃષ્ણ અને મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે વિરુદ્ધ PML હેઠળ કેસ નોંધ્યો હતો. આ દિવસોમાં સીબીઆઈએ અગાઉ કેસ નોંધ્યો હતો.
કો-લોકેશન સર્વિસ શું છે ?
આ સેવા હેઠળ દલાલોને તેમના સર્વર એક્સચેન્જ પરિસરમાં સેટ કરવાની છૂટ છે. આની મદદથી તેઓ ઝડપથી શેરબજારમાં મૂવમેન્ટ જાણી શકે છે અને તેનો ફાયદો ઉઠાવી શકે છે. આ છેતરપિંડીનો લાભ લઈને અનેક દલાલોએ ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તપાસ દરમિયાન એલ્ગોરિધમ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ઇડીએ ગયા મહિને ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી હતી. ગેરકાયદે ફોન ટેપિંગ અને એક્સચેન્જ કર્મચારીઓની જાસૂસી સંબંધિત મની લોન્ડરિંગ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી.
એક સપ્તાહ પહેલા હાઈકોર્ટમાં EDના વકીલે શું કહ્યું હતું ?
એક સપ્તાહ પહેલા EDના વકીલ એન.કે. મટ્ટાએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે નારાયણ અને અન્ય આરોપીઓએ NSE અને તેના કર્મચારીઓને છેતરવાનું ષડયંત્ર રચ્યું હતું. તેણે સંજય પાંડે સાથે જોડાયેલી કંપની આઇસેક સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક્સચેન્જના કર્મચારીઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કર્યા હતા. આ NSEની સાયબર સુરક્ષાની આડમાં કરવામાં આવ્યું હતું.