ટોપ ન્યૂઝનેશનલ

હરિયાણાના હિસારમાંથી 5 હજાર વર્ષ જૂના હડપ્પીયન સંસ્કૃતિના પુરાવા મળ્યાં

Text To Speech

નેશનલ ડેસ્કઃ હરિયાણાના હિસાર જિલ્લામાં 5 હજાર વર્ષ જૂનાં શહેરના પુરાવા મળ્યા છે. અહીં રાખીગઢી ગામની 11 ટેકરીઓ નીચે આ શહેર દટાયેલું છે. આ શહેર હડપ્પા કાળનું જણાવાઈ રહ્યું છે. પુરાતત્ત્વ વિભાગના ખોદકામ દરમિયાન 5 હજાર વર્ષ પૂર્વેના મકાનો, સાફ-સફાઈની વ્યવસ્થાઓ સાથે જ માર્ગો, આભૂષણ અને શબના અંતિમ સંસ્કાર માટે મૂકાયેલી વસ્તુઓના પણ પુરાવા મળ્યા છે.

ખોદકામ દરમિયાન મોટા ઘડા જેવી વસ્તુ મળી આવી હતી

હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા છેઃ પુરાતત્વ વિભાગ
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સંયુક્ત મહાનિર્દેશક સંજય મંજુલ કહે છે કે, ‘રાખીગઢી 7000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. અત્યાર સુધી મળેલા અવશેષો દર્શાવે છે કે હડપ્પન સંસ્કૃતિની સંસ્કૃતિ આજની ભારતીય સંસ્કૃતિ સાથે ભળેલી જોવા મળે છે. અત્યાર સુધી રાખીગઢીમાં માત્ર 3 વખત ખોદકામ થયું હતું. હવે 1, 3 અને 7 નંબરના ટેકરા પર ખોદકામ ચાલી રહ્યું છે. 3 નંબરના ટેકરા પર પ્રથમ વખત ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ વખતના ખોદકામ દરમિયાન સાઈટ નંબર એક પર અઢી મીટર પહોળી શેરી બહાર આવી છે, જે હડપ્પન લોકોની જીવનશૈલી દર્શાવે છે. આ શેરીમાં બંને બાજુ કાચી ઈંટોની દીવાલ છે. આ તમામ કાટખૂણામાં બનાવવામાં આવ્યા છે. જે હડપ્પન સંસ્કૃતિનું નગર આયોજન દર્શાવે છે. દિવાલની બંને બાજુએ અનેક સ્તરો પર મકાનો બનાવવામાં આવ્યા છે. અમને આ ઘરોમાં બરણી, વાસણ, સ્ટવ મળ્યા છે.’

આ ઉપરાંત ત્યાંની રહેવાની વ્યવસ્થા પણ મળી આવી હતી

અત્યાર સુધીમાં ખોદકામમાં ત્રણેય સ્થળે કુલ 38 હાડપિંજર મળી આવ્યા છે. હાલ સાત નંબરના સ્થળ પરથી 2 મહિલાઓના હાડપિંજર મળી આવ્યા છે. તેમના હાથમાં બંગડીઓ છે અને તેમની પાસેથી અરીસો, માળા, બંગડીઓ, છીપ પણ મળી આવી છે. આ છીપલાં દરિયાકાંઠાના વિસ્તારમાંથી મળી આવ્યા હતા. તેથી સાબિત થાય છે કે અહીંના લોકો દૂર દૂર સુધી વેપાર કરતા હતા. ડીએનએ માટે હાડપિંજરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેનાથી સાબિત થયું કે તે હાડપિંજર મૂળ ભારતીય છે.

ખોદકામ દરમિયાન મળેલી ચીજવસ્તુઓ

પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓ અનુસાર હડપ્પાકાળનું આ શહેર લુપ્ત થઈ ચૂકેલી સરસ્વતી નદીની સહાયક નદી દૃશ્વદ્વતીના કિનારે વસેલું હતું. ખોદકામમાં 5 હજાર વર્ષ પહેલાની ઈંટો, નાળીઓ અને તેના પર મૂકેલા માટીના ઘડા મળ્યા છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગના સંશોધક કુમાર સૌરવે કહ્યું કે, હડપ્પાકાલીન આ શહેરમાં પક્કલી ઈંટો વડે નાળીઓ બનાવાઈ હતી. એટલે કે તે સમયે ડ્રેનેજની સારી વ્યવસ્થા કરાઈ હતી.

પુરાતત્વ વિભાગે વધુ ખોદકામ હાથ ધર્યુ છે

કઈ-કઈ વસ્તુઓ મળી?

  • કાચી-પાકી ઈંટોથી બનેલા રોડ
  • ઘરનું માળખું અને ચુલો
  • ચૂલાને મડબ્રિક લગાવી તેનું પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું.
  • શબના અંતિમ સંસ્કારના પુરાવા
  • તાજેતરના ખોદકામમાં બે મહિલાઓના શબ
  • કોપરનો એક અરિસો
  • માટીની બનેલી કાચી મોહર(સ્ટેમ્પ)
  • શબ નજીકથી તાંબાની વીંટીઓ અને સોનાના વાસણો
Back to top button