સ્માર્ટ સીટીના રસ્તા રિપેર તો થયા પણ પાછા જેવા હતા તેવા, SMC અને AMC નું તંત્ર ક્યારે જાગશે ?
જે રીતે વરસાદમાં રાજ્યમાં રસ્તા ખરાબ થઈ રહ્યા છે તે રીતે તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ વધી રહ્યો છે. રાજ્યના સ્માર્ટ સીટીના માટે વખાણ થતાં અમદાવાદ અને સુરતની સ્થિતિના કારણે સામાન્ય જનતાની હાલત ખરાબ થઈ રહી છે. કોર્પોરેશન દ્વારા ટેક્સની વસૂલાત તો કડકાઇથી કરવામાં આવે છે પરંતુ પાયાની જરૂરિયાત સંતોષવામાં તંત્રની ઢીલી કામગીરી જોવા મળી.
આ પણ વાંચો : સુરત SMC એ રોડ રસ્તાના રિપેરિંગની ખાત્રી આપી પણ અમદાવાદ AMC ક્યારે જાગશે ?
એક તરફ તંત્ર દ્વારા કરોડોમાં વિકાસના કામોની ગણતરી કરવવામાં આવે છે તો બીજી તરફ કટકીખોર કોન્ટ્રાક્ટરોના પાપે પ્રજાએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં વરસાદી માહોલ જામતા મહાનગરોમાં ભૂવા રાજ જોવા મળ્યુ. જેને લઇને તંત્ર દ્વારા હવે સમારકામ કરવાના આદેશ આપી દેવાયા.
સુરતમાં મેયરના ઘરની બહારની સ્થિતિ
આ તરફ સુરતમાં પણ વરસાદી માહોલને કરાણે ઠેર ઠેર ખાડા પડી ગયા હતા. તંત્ર દ્વારા અઠવાડિયા અગાઉ સમારકામની કામગીરી કરવાનો આદેશ અપાયો હતો તેમ છતાં હજી પણ રસ્તાઓ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. SMCના કમિશનર બંછાનીધિ પાનીએ ડબલ શિફ્ટમાં કામ કરીને સુરતના ખાડા રિપેર કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સુરતના 7 કિલોમીટર વિસ્તારમાં ખાડા પડ્યા છે. જે ત્રણ દિવસની અંદર પુરી દેવામાં આવશે. આ વાતને એક અઠવાડિયું થઈ ગયું છે. આમ છતાં સુરતના રસ્તાઓમાં ખાડારાજ જોવા મળે છે. સાથે પાલિકાએ રિપેર કરેલા રસ્તા ફરી 2 ઈંચ વરસાદમાં ધોવાયા . ઉપરાંત અમુક જગ્યાએ પાલિકાની ટીમે ખાડાની કામગીરી અધૂરી છોડી દીધી છે. જેને કારણે સુરતના વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.
અમદાવાદમાં હજી પણ ચાલી રહ્યું છે કામ
હજી સુધી અમદાવાદમાં વરસાદને કારણે ઠેર ઠેર ભૂવા રાજ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોએ કયા રસ્તેથી જવુ તે વિચારવાનો વારો આવ્યો છે. કારણ કે શહેરના દરેક માર્ગો પર વરસાદી ખાડા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 55 ભૂવા પડ્યા તેમાંથી 28 ભૂવાની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. AMC દ્વારા 29 ભૂવા સમારકામની કામગીરી હાથ ધરાઇ છે. પ્રિ મોન્સૂન કામગીરીના નામે જ્યાં જ્યાં પણ કામગીરી કરવામાં આવી ત્યાં રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે.
આ ઉપરાંત થોડાં જ વરસાદમાં રાજ્યના ઘણાં સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાઈ જવાના વીડિયો સામે આવતાં રહેતાં હોય છે. જેનાથી લોકોની પરેશાની ઓછી થઈ રહી છે. ત્યારે લોકોનો એક જ પ્રશ્ન છે જે, જો ટેક્સ પૂરો વસુલ કરવામાં આવે છે તો રસ્તા પણ પૂર્ણ રીતે સારા બનાવો.