બંગાળમાં ચોકલેટ બોમ્બ ફુટે તો પણ…મમતા બેનર્જીનો કેન્દ્ર પર પ્રહાર
- મમતા બેનર્જી રેલીમાં તપાસ એજન્સીઓને લઈને સાધ્યું નિશાન
- કેન્દ્રની તપાસ એજન્સીઓનો દુરઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો
- બંગાળમાં ચોકલેટ બોમ્બ ફુટે તો પણ કેન્દ્ર તપાસ એજન્સીઓ મોકલે છે
પશ્ચિમ બંગાળ, 27 એપ્રિલ: પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી વિસ્તારમાં કેન્દ્રની તપાસ એજન્સી CBIએ દરોડા પાડ્યા હતા જેમાં જથ્થાબંધ હથિયારો મળી આવ્યા હતા. આ મામલે બંગાળનું રાજકારણ ગરમાયુ છે ત્યારે મમતા બેનર્જીએ એક રેલીમાં મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. કેન્દ્ર સરકાર પર NSGનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા મમતાજીએ કહ્યું કે બંગાળમાં ચોકલેટ બોમ્બ ફૂટે તો પણ CBI, NIA અને NSGને અહીં મોકલવામાં આવે છે.
બંગાળના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના એકતરફી વલણથી એવું લાગી રહ્યું છે કે જાણે બંગાળમાં યુદ્ધ ચાલતું હોય ના કારણ કે રાજ્યની પોલીસને પણ જાણ નથી.” 26 એપ્રિલે CBIએ સંદેશખાલીમાં પૂર્વ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘર પર દરોડા પાડ્યા હતા, જેમાં વિદેશી હથિયારો અને દારૂગોળો મળી આવતા જપ્ત કરવામાં આવ્યા હતા.
કોઈને ખ્યાલ નથી કે આ વસ્તુઓ ક્યાંથી મળી આવી
સંદેશખલીમાં મળી આવેલા હથિયારો અંગે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, “કોઈને ખબર નથી કે તે વસ્તુઓ ક્યાંથી મળી આવી હતી. કદાચ તેઓ આ વસ્તુઓ પોતાની કારમાં લાવ્યા હશે અને રીકવર થયેલા હથિયારો તરીકે રજૂ કર્યા હશે. મેં આજે પણ સાંભળ્યું છે કે ભાજપ નેતાના ઘરે બોમ્બ રાખવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારને લાગે છે કે નોકરીઓ રદ કરીને અને બોમ્બ ફોડીને તેઓ ચૂંટણી જીતી શકે છે જ્યારે અમે તેમના મોટા મોટા ભાષણ ને બદલે લોકો માટે રોટી, કપડાં અને મકાન અને નોકરીઓ ઈચ્છીએ છીએ.
ટીએમસી પૂર્વ નેતાના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા
CBIએ ટીએમસીના પૂર્વ નેતા શાહજહાં શેખના અનેક સ્થળો પર ગઈકાલ શુક્રવારે દરોડા પાડ્યા હતા. જે અંગે અધિકારીઓએ જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના સમર્થકો દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર હુમલાની ઘટનાના સંદર્ભમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે , “અમને મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકોનો સંગ્રહ કરવાની ગુપ્ત માહિતી મળી હતી.”
આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સભા ગજવીઃ કહ્યું, મારી ગેરંટી મોદી સરકાર તમને ઠેરના ઠેર રાખશે