ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમીડિયા

મારા વિરુદ્ધ તો એક આંતરરાષ્ટ્રીય ચૅનલ પણ અભિયાન ચલાવે છેઃ સુરેશ ચવાણકે

નોઈડા, 7 મે, 2024: “મારી વિરુદ્ધ તો આંતરરાષ્ટ્રીય સમાચાર ચૅનલ અલ જઝીરા તેમજ કતર જેવા દેશોમાં કેમ્પેઈન ચાલે છે, એટલું જ નહીં પરંતુ મારા ઉપર હુમલા પણ થયેલા છે” તેમ એક રાષ્ટ્રીય સમાચાર ચૅનલના તંત્રી સુરેશ ચવાણકેએ જણાવ્યું છે. હિન્દુવાદી નેતાઓ તથા અન્ય અગ્રણીઓની હત્યાના કાવતરા બદલ સુરતના એક મૌલવીની ધરપકડ અંગે પ્રત્યાઘાત આપતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. બે દિવસ પહેલાં સુરત પોલીસે આ મૌલવી સોહેલ અબુબકર તિમોલની ધરપકડ કરી ત્યારે પોલીસે જ એવો ખુલાસો કર્યો હતો કે, સોહેલ પાકિસ્તાન અને નેપાળમાં બેઠેલા તેના આકાઓના ઈશારે સુરતના એક હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા ઉપરાંત ભાજપના ભૂતપૂર્વ નેતા નૂપુર શર્મા, ભાજપના હૈદરાબાદના ધારાસભ્ય રાજા સિંહ ઉપરાંત એક ટીવી ચૅનલના તંત્રીની હત્યાનું કાવતરુ ઘડતો હતો.

સોહેલ અબુબકરની ધરપકડ બાદ જે ખુલાસા થયા તે અંગે સુદર્શન ચૅનલના તંત્રીએ સુરેશ ચવાણકેએ જણાવ્યું કે, આ મૌલવી ઝડપાઈ ગયો અને તેથી બધા બચી ગયા એ સારું છે, પરંતુ અમારા બધા ઉપરનું જોખમ હજુ ટળ્યું નથી. તેમણે માગણી કરી કે, તેમની સલામતીમાં વધારો કરવો અનિવાર્ય છે કેમ કે અગાઉ તેમના ઉપર હુમલા કરવાના પ્રયાસ થઈ ચૂક્યા છે. તેમણે માહિતી આપી કે, 2019ની લોકસભા ચૂંટણી પહેલાં પોતે દેશભરમાં ફરીને વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની માગણી કરી રહ્યા તે દરમિયાન 2018માં રાજસ્થાનમાં એક સભા દરમિયાન લઘુમતી સમુદાયના એક ડ્રાઈવરે લોકો ઉપર બસ ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. તેમના દાવા મુજબ એ ડ્રાઈવરને પહેલા પ્રયાસમાં સફળતા ન મળી તો બે-ત્રણ વખત બસ આગળ પાછળ કરીને લોકોને કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની એફઆઈઆર નોંધાઈ હતી, જેનો કેસ હજુ ચાલુ છે.

ઝડપાયેલા મૌલવી અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, જે વ્યક્તિ ગુજરાતમાં બેસીને વિદેશીઓ સાથે સંપર્કમાં રહેતો હોય અને અહીંના લોકોની હત્યાનું કાવતરું ઘડતો હોય તે કેટલો ખતરનાક હશે અને સ્થિતિ કઈ હદે ગંભીર હશે તે સૌએ સમજવું જોઇએ. સુરેશ ચવાણકે માને છે કે, મોદી સરકાર છે ત્યાં સુધી હજુ સ્થિતિ નિયંત્રણ છે પરંતુ એ નહીં હોય ત્યારે શું થશે વિચારવા જેવું છે, કેમ કે હિન્દુત્વની વાત કરનાર તમામ આવા લોકોના નિશાન પર છે. આ સંદર્ભમાં તેમણે ગુજરાતમાં કિશન ભરવાડ, રાજસ્થાનમાં કન્હૈયાલાલ, ઉપરાંત પશ્ચિમ બંગાળ અને કેરળમાં હિન્દુવાદી કાર્યકરોની નિયમિત રીતે થઈ રહેલી હત્યાઓનાં ઉદાહરણ ટાંક્યાં હતાં.

પોતાના ઉપર કેટલું જોખમ છે તે અંગે ચૅનલ એડિટરે આગળ વધીને એવો પણ આક્ષેપ કર્યો કે, એક વખત નોઈડામાં તેમની સભા થવાની હતી એ સ્થળેથી સુરક્ષા તપાસ દરમિયાન 14 ડિટોનેટર અને 12 બોંબ મળ્યા હતા. તેમના કહેવા મુજબ હાલ તેમને ઉત્તરપ્રદેશ સરકાર તરફથી એક્સ-કેટેગરીની સુરક્ષા મળેલી છે, પરંતુ તેમને ઝેડ-પ્લસ સુરક્ષા મળવી જોઈએ. આ સંદર્ભમાં તેમણે 2022માં કેન્દ્ર સરકારને પત્ર લખીને ઝેડ-પ્લસ સલામતીની માગણી કરી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, ગત 4થી મેએ સુરતમાં એક હિન્દુ સંગઠનના નેતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેમના પર ટીવી ચેનલના એડિટર, બીજેપી ધારાસભ્ય રાજા સિંહ અને બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને ધમકાવવાનું કાવતરું ઘડવાનો પણ આરોપ છે. પોલીસનું કહેવું છે કે તે પાકિસ્તાન અને નેપાળમાં બેઠેલા તેના આકાઓ સાથે મળીને આવું ષડયંત્ર રચતો હતો.

વાંચો અહીં : સુરતમાં હિન્દુ સંગઠનના નેતાને ધમકી આપનાર મૌલવીની ધરપકડ

પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલો આરોપી એક મૌલવી છે, જેનું નામ સોહેલ અબુબકર તિમોલ છે. સોહેલ એક દોરાની ફેક્ટરીનો મેનેજર છે અને મુસ્લિમ બાળકોને ઈસ્લામમાં ખાનગી ટ્યુશન આપે છે. સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતનું કહેવું છે કે સોહેલે હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે તેણે પાકિસ્તાન અને નેપાળમાં હાજર તેના આકાઓ સાથે મળીને 1 કરોડ રૂપિયાની સોપારી આપવાનો પ્લાન તૈયાર કર્યો હતો. આ સિવાય તેના પર પાકિસ્તાન પાસેથી હથિયાર ખરીદવાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ છે.

તપાસ દરમિયાન પોલીસને સોહેલના મોબાઈલ ફોનમાંથી ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી હતી. જેમાં ઉપદેશ રાણાની હત્યા માટે 1 કરોડ રૂપિયાની ઓફર પણ સામેલ હતી. આ માટે તે સતત પાકિસ્તાન અને નેપાળના નંબર પર વાત કરતો હતો. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સોહેલે માર્ચમાં ઉપદેશ રાણાને ધમકી આપવા માટે લાઓસના નંબરનો ઉપયોગ કર્યો હતો અને ગ્રુપ કોલમાં પાકિસ્તાન અને નેપાળના લોકોને પણ જોડ્યા હતા.

ફોન પરથી મળેલી તસવીરો અને અન્ય વિગતોથી જાણવા મળ્યું છે કે આ તમામ લોકો એક ટીવી ચેનલના એડિટર, બીજેપી ધારાસભ્ય રાજા સિંહ અને બીજેપીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યા હતા. પોલીસનું કહેવું છે કે પાકિસ્તાન અને નેપાળમાં હાજર લોકોએ દોઢ વર્ષ પહેલા સોહેલનો સંપર્ક કર્યો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી તે બધા અલગ-અલગ ઘટનાઓને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યા હતા.

Back to top button