બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ પણ ભારતને WTCની ફાઈનલમાં પહોંચવુ મુશ્કેલ : જાણો શું છે સમીકરણો
ભારતે તાજેતરમાં જ બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવીને બે મેચની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે. તે હાલ બીજા સ્થાન પર છે અને ફાઇનલમાં પહોંચવાની નજીક છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ સ્થાન પર છે અને માનવામાં આવી રહ્યું છે કે તેનું ફાઇનલમાં પહોંચવું નિશ્ચિત છે.
આ પણ વાંચો :
ભારત હાલ બીજા સ્થાને
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ પહેલા ભારત 55.77ના સ્કોર સાથે બીજા સ્થાને હતું. તે જ સમયે, ત્રીજા નંબરે રહેલ દક્ષિણ આફ્રિકાનો સ્કોર 54.55 હતો. જો ટીમ ઈન્ડિયા ઢાકામાં હારી ગઈ હોત તો દક્ષિણ આફ્રિકાને આગળ આવી શકી હોત, પરંતુ ભારતને આ જીતથી ફાયદો થયો છે. તે હાલ 58.93ના સ્કોર સાથે બીજા ક્રમે છે. આનો અર્થ એ છે કે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 26 ડિસેમ્બરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા દક્ષિણ આફ્રિકા દબાણમાં હશે.
ઓસ્ટ્રેલિયા ટોચ પર
ઓસ્ટ્રેલિયા હાલમાં 76.92 ટકાના સ્કોર સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. કાંગારુઓની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 13 મેચમાંથી માત્ર એક મેચ હારી છે. ભારત પાસે હજુ ચાર ટેસ્ટ બાકી છે. ફેબ્રુઆરીમાં તેને ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકા પાસે પણ 4 ટેસ્ટ મેચ છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે બે અને વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે. તેથી ફાઇનલમાં સ્થાન માટે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જંગ છે. બંનેને રેસમાં ટકી રહેવા માટે તેમની બાકીની ઓછામાં ઓછી ત્રણ મેચ જીતવી જરૂરી છે.
કેવી રીતે પહોંચશે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો ફાઇનલમાં?
– જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં 4-0થી જીત મેળવે છે તો તે આસાનીથી ફાઈનલમાં પહોંચી જશે. આ સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા બહાર નીકળી જશે. તે તેની બાકીની ચાર મેચ જીત્યા પછી પણ ફાઈનલમાં જઈ શકશે નહીં.
– જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવશે તો રસ્તો થોડો મુશ્કેલ બની જશે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની ચારેય મેચ જીતીને ફાઈનલમાં પહોંચી શકે છે.
– જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને ચાર મેચોની શ્રેણીમાં 3-1થી હરાવશે તો દક્ષિણ આફ્રિકાની આશાઓ જળવાઈ રહેશે. આ સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ચારેય મેચ જીતવી જરુરી બનશે.