ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં કિન્નરોની કનડગત, પઠાણી ઉઘરાણીથી લોકો પરેશાન

કિન્નરને આપણા સભ્ય સમાજમાં ખૂબ જ સન્માનજનક માનવામાં આવે છે. વાર-તહેવાર આવતા કિન્નરોના આશીર્વાદ લોકો ખુશીથી લેતા હોય છે અને બદલામાં પોતાની યથાશક્તિ મુજબ રૂપિયા આપતા હોય છે. વાત અહીં સુધી તો ઠીક છે પણ જ્યારે આ હરખ હેરાનગતિમાં પરિણમે ત્યારે પરિસ્થિતિ અલગ ઉભી થાય છે. કંઈક એવું જ ચાલી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં.

કિન્નરોની કનડગત

  • ગુજરાતમાં લગભગ દરેક ટોલ બૂથ ઉપર ઉઘરાણી
  • વારે-તહેવારે પઠાણી ઉઘરાણી
  • એરિયા પ્રમાણે ઉઘરાણીની માથાકૂટ
  • એરિયા પ્રમાણે ક્યારેક ગેંગવોરના બનાવ

ગુજરાતમાં લગભગ દરેક ટોલ બૂથ પહેલા કે તેના પછી રસ્તા વચ્ચે કિન્નરો ઉભા રહેલા જોવા મળે છે, વાહનો ઉભા રાખી લોકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરે છે. કેટલાક લોકો રાજીખુશીથી રૂપિયા આપતા હોય છે તો કેટલાક લોકો પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. આ વાત માત્ર ટોલ બૂથની નથી, વારે-તહેવારે આપણા ઘરે કે પાડોશ અથવા વિસ્તારમાં કિન્નરો આવતા હોય છે. બાળકના જન્મનો પ્રસંગ હોય કે લગ્ન જેવા પ્રસંગો નિમિતે 21 હજારથી 51 હજાર જેવી તગડી રકમ હકથી માંગવામાં આવે છે. ઘર માલિક રૂપિયા આપવાનો ઈનકાર કરે તો તેમને શ્રાપની ધમકી આપવામાં આવે છે, તારુ સારુ નહીં થાય, માતાજી તને માફ નહીં કરે, કિન્નરોને રૂપિયા આપીશ તો તને માતાજી કરોડપતિ બનાવશે એવું કહી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે, આ બધુ સાંભળી મોટાભાગના લોકો રૂપિયા આપી દેતા હોય છે.

Eunuch Menace in Gujarat
Eunuch Menace in Gujarat

તો, ક્યારેક વિસ્તાર મુજબ કિન્નરો રૂપિયાની ઉઘરાણી કરતા હોય છે. તેને લઈ તેમની વચ્ચે ગેંગવોર થયાના બનાવ પણ સામે આવે છે. તેમાં કેટલીક જગ્યાએ ખૂની ખેલ સુધી વાત પહોંચી જતી હોય છે.

અમદાવાદમાં લાઈફ સ્ટાઈલ સ્ટોરની માલિકની ફરિયાદ

અમદાવાદમાં પણ કિન્નરોનો સખત ત્રાસ હોવાની ફરિયાદ મળી છે. નહેરુ નગર સર્કલ પાસે બિકાનેરવાલાની સામે ચંપા-સ્ટોર અને સ્ટુડિયોના માલિક કે જેમની શોપ “5 ડાયમેન્શન ડિઝાઈન” નામથી છે. તેમણે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે- વારે-તહેવારે કિન્નરોનું એક જૂથ તેમના સ્ટોરની મુલાકાત લે છે અને દર વખતે 21,000થી 51,000 સુધીના દાનની રકમની માંગણી કરે છે. સ્ટોર માલિક આપવાનો ઈનકાર કરે તો, માલિક સહિત સ્ટાફ પર હુમલો કરવાની તેમજ ગ્રાહકોને હેરાન કરવાની ધમકી આપે છે. જેથી, આવા કિન્નરો વિસ્તારમાં અપ્રિય વાતાવરણ ઉભું ન કરે અને ઉદ્યોગકારોને કનડગત ન કરે તેવી રજૂઆત કરવામાં આવી છે.

Eunuch Menace
Eunuch Menace

એક સમયે કિન્નરો પ્રત્યે લોકોને માન હતું, પરંતુ હવે રીતસર દાદાગીરીથી થતી ઉઘરાણી ન્યૂસન્સની પણ હદ વટાવી ગઈ છે. ક્યારેક તો એવું લાગે છે કે, આ સાચા કિન્નરો નથી પરંતુ અમુક લોકોએ નાણા પડાવવા માટેનો તેને વ્યવસાય તરીકે અપનાવી લીધો છે. પોલીસ અને સરકાર આ બાબતે ધ્યાન નહીં આપે તો ભવિષ્યની સ્થિતિની કલ્પના ધ્રુજાવી નાખે એવી થઈ શકે છે.

Back to top button