ગુજરાતધર્મમધ્ય ગુજરાતવિશેષ

શ્રીરામ મંદિરનું સ્થાપન ભારતીય સંસ્કૃતિની વૈશ્વિકતાનો પાયો છેઃ સ્વામી પરમાત્માનંદજી

  • સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત શ્રીરામગ્રંથનો લોકાર્પણ સમારોહ યોજાયો

અમદાવાદ, 21 માર્ચ, 2024: અયોધ્યા ખાતે ભવ્ય-દિવ્ય-નવ્ય શ્રીરામ મંદિરમાં શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ તે ઐતિહાસિક-આધ્યાત્મિક અવસરને વધાવવા સાધના પ્રકાશન ટ્રસ્ટ (સાધના સાપ્તાહિક) દ્વારા પ્રકાશિત ‘શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીત્વનો સુવર્ણકાળ’ ગ્રંથનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.

શ્રી રામ ગ્રંથ લોકાર્પણ - HDNews
શ્રી રામ ગ્રંથ લોકાર્પણ – ફોટોઃ સાધના ટ્રસ્ટ

અમદાવાદનાં નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો. ઓપ. બેંકના સભાગૃહમાં આયોજિત આ લોકાર્પણ સમારોહમાં અધ્યક્ષ તરીકે આર્ષ વિદ્યામંદિરના સ્થાપક અને શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય સ્વામીશ્રી પરમાત્માનંદજી ઉપસ્થિત રહ્યા હતા. પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં તેઓશ્રીએ કહ્યું હતું કે, ‘અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના સાક્ષી બનવું એ સૌભાગ્યની વાત છે. આપણી ૫૦૦ વર્ષની યજ્ઞ સાધનાનું પરિણામ શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા છે. આપણા ધર્મશાસ્ત્રોમાં ત્રણ ઋણ (૧) દેવઋણ, (૨) ઋષિ ઋણ અને (૩) પિતૃ ઋણ ચૂકવવાની વાત કરવામાં આવી છે. શ્રીરામ મંદિરનું નિર્માણ એ આ ત્રણેય ઋણ ચૂકવવા બરાબર છે. શ્રીરામ મંદિરનું સ્થાપન ભારતીય સંસ્કૃતિની વૈશ્વિકતાનો પાયો છે.’

શ્રી રામ ગ્રંથ લોકાર્પણ - HDNews
શ્રી રામ ગ્રંથ લોકાર્પણ – ફોટોઃ સાધના ટ્રસ્ટ

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિ રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનીલજી આંબેકરે શ્રીરામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને ભારતની એકતા અને અસ્મિતાનું સૂત્ર ગણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ‘શ્રીરામજન્મભૂમિ મંદિર આંદોલનની યાત્રાએ દેશના લોકોની માનસિકતામાં અદ્ભુત પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. ભારતની સાચી સંસ્કૃતિ શું છે તેનો વાસ્તવિક પરિચય શ્રીરામમંદિર આંદોલને કરાવ્યો છે. શ્રીરામમંદિર આંદોલનને સમગ્ર દેશને એક તાંતણે જોડ્યો છે. શ્રીરામમંદિર આંદોલન અને શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠાએ સમગ્ર દેશમાં એક સકારાત્મક વાતાવરણ ઊભું કર્યું છે, તેને આગળ વધારવું સૌની જવાબદારી છે, તે માટે આપણે દરેક ગામને અયોધ્યા બનાવી દરેક હૃદયમાં પ્રભુ શ્રીરામને સ્થાપિત કરવા પડશે.

સાધના સાપ્તાહિકના તંત્રી-ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ શાહે કહ્યું હતું કે, ‘૪૫૦ વર્ષના ભીષણ સંગ્રામ અને અનેકોના બલિદાન બાદ શ્રીરામજન્મભૂમિ પર શ્રીરામ પુનઃ પ્રતિષ્ઠિત થઈ શક્યા છે. શ્રીરામ એ જનજનનો શ્વાસ છે. પ્રભુશ્રીરામના આદર્શો ત્રેતાયુગ એટલે કે ૯૦૦૦ વર્ષ પહેલાથી આજે પણ જીવંત છે. શ્રીરામનાં આદર્શોને જીવંત રાખવા માટે આપણા ઋષિમુનિઓનું અમૂલ્ય યોગદાન છે.’

આ પ્રસંગે પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક મા. ડૉ. શ્રી જયંતિભાઈ ભાડેસિયા, સાધના સાપ્તાહિકનાં ટ્રસ્ટીશ્રીઓ પ્રવિણભાઈ ઓતિયા, શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય, શ્રી રસિકભાઈ ખમાર, શ્રી સુરેશભાઈ ગાંધી, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી ભાનુભાઈ ચૌહાણ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી રામ ગ્રંથ લોકાર્પણ - HDNews
શ્રી રામ ગ્રંથ લોકાર્પણ – ફોટોઃ સાધના ટ્રસ્ટ
  • શ્રીરામમંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીત્વનો સુવર્ણકાળ’ ગ્રંથ વિશે

રામાયણમાં સાત કાંડ છે તેમ આ ગ્રંથમાં પણ સાત કાંડ (અધ્યાય) છે. રામાયણ, વિચારદર્શન, વિશ્વરૂપમ, શ્રીરામમંદિર સંઘર્ષનો ઇતિહાસ, શ્રીરામમંદિર ન્યાયાલય, શ્રીરામમંદિર નિર્માણ અને દિવ્ય ઉત્સવ જેવા વિષયને આવરી લેતો આ ગ્રંથ ૩૦૦ કરતા વધારે પાનામાં પ્રકાશિત થયો છે. ૧૦૦ વર્ષ સુધી આ ગ્રંથના પાન જળવાઈ રહે તેવા કાગળનો અને સાત્વિક વેજિટેબલ ઓઈલમાંથી બનેલી સાહીનો આ ગ્રંથમાં ઉપયોગ થયો છે. આ ગ્રંથમાં લખાણ અને તસવીરને સરખુ સ્થાન અપાયું છે. ગ્રંથમાં રાજા રવિ વર્મા અને આર્ચર આર્ટ ગેલરીના રામાયણ સંદર્ભના અતિ જૂના અને દુર્લભ ફોટોગ્રાફ્સનો ઉપયોગ થયો છે. ખૂબ ટૂંકા લખાણ સાથે શ્રીરામથી શ્રીરામમંદિર સુધીની દરેક વિગત આ અંકમાં તસવીર સાથે પ્રકાશિત થઈ છે.

આ પણ વાંચોઃ અયોધ્યા : રામ મંદિરના સમયમાં થયો ફેરફાર, જાણો હવે કયા સમયે કરી શકાશે દર્શન

Back to top button