એશા દેઓલ પતિ ભરત તખ્તાનીને ડિવોર્સ આપશે, લગ્નના 12 વર્ષ પછી અલગ થવાનો લીધો નિર્ણય


મુંબઈ, 06 ફેબ્રુઆરી: હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે લગભગ 12 વર્ષના દામ્પત્યજીવન બાદ પતિ ભરત તખ્તાનીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. કેટલાક સમયથી તેમની વચ્ચે અણબનાવની અફવાઓ ચાલી રહી હતી, પરંતુ હવે બંનેના નિવેદનથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. ઈશાના છૂટાછેડાના સમાચાર તેના ફેન્સ માટે મોટો આંચકો છે. મહત્ત્વનું છે કે, એશા દેઓલે 29 જૂન, 2012ના રોજ બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા અને બંનેને બે દીકરીઓ રાધ્યા અને મિરાયા છે.
એશા દેઓલે ભરત તખ્તાનીથી અલગ થવાની પુષ્ટિ કરી છે
ઈશા અને ભરતે દિલ્હી ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે બંનેએ પરસ્પર સંમતિથી છૂટા પડવાનું નક્કી કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમના બંને બાળકોના હિતને ધ્યાનમાં રાખીને આ મોટું પગલું ભર્યું છે. અને દરેકના તેમની પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી છે. જો કે, ઈશા અને ભરત બંનેમાંથી એકેય આ વાત સોશિયલ મીડિયા પર હજુ સુધી શેર કરી નથી. તેણે વર્ષ 2012માં બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ ઈશાએ રાધ્યાને જન્મ આપ્યો હતો. તો વર્ષ 2019માં દીકરી મિરાયા જન્મી હતી.
ઈશાની એક સોશિયલ મીડિયા પોસ્ટે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું
View this post on Instagram
એશા દેઓલે તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની ડેબ્યૂ ફિલ્મ ‘કોઈ મેરે દિલ સે પૂછે’ની એક વીડિયો ક્લિપ શેર કરી છે. તેણે કેપ્શન લખ્યું- ક્યારેક તમારે કેટલીક વસ્તુઓને છોડી દેવી પડે છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ઈશા અને ભરત કોઈપણ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા નથી. હેમા માલિનીના બર્થ-ડે પર ઈશા જોવા મળી હતી પરંતુ જમાઈ ભરત નજરે આવ્યો ન હતો. ત્યારથી બંનેના સંબંધોમાં કડવાશ આવી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.
આ પણ વાંચો: ધર્મેન્દ્રના પહેલાં પત્ની પ્રકાશ કૌરે “સૌતન” હેમા માલિની વિશે કરી આ વાત