તુર્કીમાં ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા એર્દોગન, શું કહ્યું PM મોદી સહિતના વૈશ્વિક નેતાઓએ?
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન હવે તેમના 20 વર્ષના શાસનની સૌથી પડકારજનક ચૂંટણી જીતીને દેશના વડા તરીકે ત્રીજા દાયકામાં પ્રવેશી ચૂક્યા છે. તુર્કીના રાષ્ટ્રપતિને તેમની ઐતિહાસિક જીત પર અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે કે ‘મને ખાતરી છે કે આવનારા સમયમાં આપણા દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ સતત વધશે.’ તેમના ફરીથી રાષ્ટ્રપતિ બનવા પર વિશ્વભરના લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યાં છે. તુર્કી હવે ભૂકંપથી સર્જાયેલી તીવ્ર મોંઘવારી અને તબાહીમાંથી બહાર આવી રહ્યો છે.
નાટોમાં તુર્કીની મહત્વની ભુમિકા
ત્રીજો કાર્યકાળ એર્દોગનને માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મજબૂત બનાવશે. આ ચૂંટણીનું પરિણામ માત્ર દેશની રાજધાની અંકારા સુધી સીમિત નહીં રહે. ઊલટાનું, આ સમયે તુર્કી એશિયા અને યુરોપ વચ્ચેથી પસાર થતા માર્ગ પર ઊભું છે. નાટોમાં પણ તેની ભૂમિકા મહત્વની છે. તુર્કીના ચૂંટણી પંચના વડાએ રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને વિજેતા જાહેર કર્યા. એર્દોગને આ માટે દેશનો આભાર માન્યો હતો. તેમણે ઈસ્તંબુલમાં તેમના ઘરની નજીક રહેતા તેમના સમર્થકોને કહ્યું કે ‘અમે તમારો ભરોસો જાળવી રાખવાની આશા રાખીએ છીએ’. જેમ આપણે છેલ્લા 21 વર્ષથી કરી રહ્યા છીએ.
પુતિને સૌપ્રથમ અભિનંદન પાઠવ્યા હતા
રશિયન પ્રમુખ પુતિન, એર્દોગનને ચૂંટણી જીત્યા બાદ અભિનંદન આપનારાઓમાં સૌ પ્રથમ હતા. ક્રેમલિનની વેબસાઈટ અનુસાર, પુતિને કહ્યું કે, ‘આ ચૂંટણીમાં તમારી જીત એ તુર્કી પ્રજાસત્તાકના વડા તરીકે તમારા સમર્પણ અને કાર્યનું પરિણામ છે.’ તે જ સમયે, યુરોપિયન યુનિયન અને લશ્કરી ગઠબંધન નાટોએ પણ તેમને અભિનંદન આપ્યા. નાટોના સેક્રેટરી જનરલ જેંસ સ્ટોલટેન્બર્ગે ટ્વીટ કરીને કહ્યું, “રાષ્ટ્રપતિ એર્ડોગન, તમારી પુનઃ ચૂંટણીની જીત બદલ અભિનંદન, હું આપણું નોટોનું કામ એકસાથે ચાલુ રાખવા અને જુલાઈમાં નાટો સમિટની તૈયારી કરવા આતુર છું.” તુર્કી પણ નાટોનું સભ્ય છે. .
અમેરિકા, બ્રિટન સહિત વિશ્વના અનેક નેતાઓએ પાઠવ્યા અભિનંદન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને તુર્કીના રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે તેઓ દ્વિપક્ષીય મુદ્દાઓ અને વૈશ્વિક પડકારો પર નાટો સહયોગી તરીકે સાથે કામ કરવાનું ચાલુ રાખવા માંગે છે. જો કે, બાઈડને દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરના તણાવનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. એર્દોગનને અભિનંદન આપતાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે બંને દેશો વચ્ચે ચાલી રહેલા સુરક્ષા સહયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે ટ્વીટ કર્યું, “અભિનંદન રાષ્ટ્રપતિ એર્ડોગન, હું નાટોના સહયોગી તરીકે બંન્ને દેશો વચ્ચે વેપાર વધારવાથી લઈને સુરક્ષાના જોખમોનો સામનો કરવા સુધીના મજબૂત સહયોગ ચાલુ રાખવા માટે આતુર છું.”
આ પણ વાંચો: પાકિસ્તાન બાદ ઈરાન પર તાલિબાને હુમલો કર્યો, એકનું મોત