અમદાવાદમાં રોગચાળો વકર્યો, ટાઈફોઈડના કેસોમાં દોઢ ગણો અને ડેન્ગ્યુના કેસોમાં ત્રણ ગણો વધારો
અમદાવાદ શહેરમાં રોગચાળો કાબૂ બહાર જઈ રહ્યો છે. બેવડીઋતુના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. અમદાવાદમાં એપ્રિલ માસમાં ટાઈફોઈડના કેસોમાં દોઢ ગણો અને ડેન્ગ્યુના કેસોમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે જોકે, ઝાડા- ઉલટી અને કમળાના કેસો હાલ કાબુમા છે.
ટાઈફોઈડ અને ડેન્ગ્યુના કેસમાં વધારો
અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદને પગલે પાણીજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. શહેરમાં એપ્રિલ માસમાં ટાઈફોઈડના કેસોમાં દોઢ ગણો અને ડેન્ગ્યુના કેસોમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ગત એપ્રિલ માસમા ટાઈફોઈડના 152 કેસ નોંધાયા હતા. તેની સરખામણીએ ચાલુ વર્ષે એપ્રિલમાં ટાઈફોઈડના કેસ દોઢ ગણા વધીને 269 કેસ નોંધાયા છે. જ્યારે ગત એપ્રિલમાં ડેન્ગ્યુના 8 કેસ નોંધાયા હતા અને તેની સરખામણીએ ચાલુ વર્ષે એપ્રિલમાં ડેન્ગ્યુના કેસ ત્રણ ગણા વધીને 27 કેસ નોંધાયા છે. આમ ડેન્ગ્યુના કેસોમાં વધારાને ધ્યાનમાં લઈને 2,312 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે.
અન્ય બિમારીના કેસો
એક બાજુ ટાઈફોઈડ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયોછે તો બીજી બાજુ ઝાડા- ઉલટી અને કમળાના કેસો અંકુશ હેઠળ છે તેમજ મેલેરિયા અને ફાલ્સીપારમના કેસો પણ કાબૂમાં છે. શહેરમાં ઝાડા- ઉલટીના 373, કમળાના 92 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 17 અને ફાલ્સીપારમના2 કેસ નોંધાયા છે. અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં H1N1ના ૫૨ કેસ નોંધાયા છે.
કોટ વિસ્તારમાં પાણીમાં પોલ્યુશનની ફરિયાદો
અમદાવાદ શહેરના કેટલાંક વિસ્તારોમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં પાણીમાં પોલ્યુશનની ફરિયાદો ઉઠતી હોય છે. ઉનાળામાં પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે પાણી અને ડ્રેનેજની લાઈનોના લીકેજની ફરિયાદોમાં તત્કાળ પગલાં લેવા સૂચના પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો : કમોસમી વરસાદની સતત આગાહી વચ્ચે ખેડૂત ચિંતિત, હજુ 4 દિવસની આગાહી !