- શહેરના સ્લમ વિસ્તારોની હાલત દયનીય હોવાની બૂમ
- પાલિકાના આરોગ્ય વિભાગની આરોગ્યલક્ષી કામગીરીની પોલ ખૂલી
- ચોમાસા દરમિયાન રોગચાળાનો મરણાંક 35 ઉપર પહોંચી ગયો
સુરત શહેરમાં વધેલા રોગચાળાના આતંક વચ્ચે શનિવારે બપોર પછી ઝાડા શરૂ થયા બાદ માન દરવાજાની વૃદ્ધા મોતને ભેટી હતી. જેની સાથે ચોમાસા દરમિયાન રોગચાળાનો મરણાંક 35 ઉપર પહોંચી ગયો છે.
તબીબોએ લક્ષ્મીબેનને તપાસ્યા બાદ મૃત ઘોષિત કર્યા
શહેરના માન દરવાજા ખાતે પદમાનગરમાં રહેતી લક્ષ્મીબેન છગનભાઈ મોરે (ઉં.વ. 75) ને શનિવારે સાંજે ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તબીબોએ લક્ષ્મીબેનને તપાસ્યા બાદ મૃત ઘોષિત કર્યા હતા. મૃતક લક્ષ્મીબેનના પુત્ર કાશીનાથભાઈએ જણાવ્યું હતું કે, શનિવારે બપોર બાદ લક્ષ્મીબેનને અચાનક ઝાડા શરૂ થયા હતા. જેને લીધે લક્ષ્મીબેનને સ્થાનિક દવાખાને લઈ ગયા હતા. તબીબે લક્ષ્મીબેનને હોસ્પિટલમાં દાખલ કરવા માટે કહેતા તેઓ સાંજે સિવિલમાં લાવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં લક્ષ્મીબેન મૃત્યુ પામી હતી.
પાલિકાના આરોગ્ય વિભાગની આરોગ્યલક્ષી કામગીરીની પોલ ખૂલી
ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન વધેલા ઝાડા-ઊલટી, મેલેરિયા, ડેન્ગ્યૂ, ટાઈફોઈડ, કોલેરા સહિતના કેસને પગલે પાલિકાના આરોગ્ય વિભાગની આરોગ્યલક્ષી કામગીરીની પોલ ખૂલી ગઈ છે. શહેરના સ્લમ વિસ્તારોની હાલત દયનીય હોવાની બૂમ છે. બીજી બાજુ પાલિકા દ્વારા રોગચાળાને ડામવા સતત કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.