ગુજરાત

બિપરજોય વાવાઝોડા પર અદ્ધભૂત કવિતા; લોકોનું યોગદાન તો ગરીબોની મનોદશા દર્શાવી ટૂંકમાં

Text To Speech

બીપોરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઈ ગયા બાદ આ કુદરતી આપત્તિમાં માનવ જીવનને ધબકતું રાખવા માટે દરેક વ્યક્તિએ આપેલા યોગદાનને ગુજરાતી કવિ તુષાર શુક્લએ શબ્દ કંકુથીતિલક કરી વધાવ્યું છે.

ટીકા કરી તો તિલક પણ કરીએ
વંદન ને અભિનંદન સહુને
પ્રણામ તમને સલામ કરીએ
ટીકા કરી તો તિલક પણ કરીએ

તમે ન અમને વાંચવા ઊભા
દલીલ દાખલા દેવા ઊભા
તમે કાર્યરત રહ્યા સતત ને
ઊભા તો ફરજના સ્થાને ઊભા
અમે ટેવવશ કડવું બોલી
ઘેર બેસીને WhatsApp કરીએ.
આજ ભૂલ એ કબૂલ કરીએ
ટીકા કરી તો તિલક પણ કરીએ

મંત્રી સંત્રી તંત્રી સહુને વંદન
સેવારત સહુને અભિનંદન
તંત્ર વિષેની ધારણા બદલી
રક્ષ્યાં છે ગુર્જરજનજીવન
હોય અસંભવ બને એ સંભવ
સંગાથે સંકલ્પ જો કરીએ
હરિ હરને વંદન પણ કરીએ
ટીકા કરી તો તિલક પણ કરીએ 

 – તુષાર શુક્લ

તુષાર શુક્લ-humdekhengenews

બિપરજોય વાવાઝોડાને કારણે ગરિબોની મનોદશા ટૂંકમાં સમજાવતી વધુ એક કવિતા કવિ કિન્તુ ગઢવી દ્વારા લખવામા આવી છે.

આંખો પાછળ એક બીજું બિપોરજોય

દરિયા કિનારાના ઝૂંપડામાં ઝૂકીને અધિકારીએ સમજાવ્યું…
તોફાન આવે છે…બધું ફંગોળાશે…
ઝૂંપડામાં એક દોરી પર જૂના રંગબેરંગી કપડાં
થોડી થીગડાવાળી ગોદડીઓ, ઝોળીવાળો એક ખાટલો…
કપડાંની ચીંદીથી બાંધેલું એક જૂનું સ્પીકર
ખૂણાંમાં પડેલાં ચોખ્ખા છતાં ચૂલાના કાળા રંગના ચાંદલીયાળા વાસણ…
ને બે ચાર તૂટેલા રમકડાં…એક તૂટેલી મોટર, તૂટેલું બેટ ને એક ઘોડો
…બાઈ બોલી…એના બાપુને તો આવી જવા દો !!!…પછી બધું ભરીએ…!
પણ આ ગાય-ભેંસ ને આ લોંઠકી વાછડીને ?
કોઈ કશું બોલ્યું નહીં…
વાડા પાછળ જઈને ખૂંટેથી છૂટો કરી દીધેલો એ મૂંગો પરિવાર…
પવનમાં ઉડતાં કંતાનવાળું એ એકલું અટુલું ને પરાણે અલવિદા કરતું એ ઘર
ખભાની બાયોથી લૂંછાતી આંખો,
ને નજીકની એક સરકારી શાળામાં આશરો
કોઈના હાથમાં રમતાં ફોનમાંથી
સતત નીકળતા મીડિયાના ઉતાવળા અવાજથી બાઈ સૂનમૂન થઈ ગઈ
મનમાં હજુયે પેલા મૂંગા ઢોર માથે ભમ્યા કરે,
સવાર પડશે ત્યારે હશે
આંખો પાછળ એક બીજું બિપોરજોય…

-કિન્તુ ગઢવી

 આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી, બનાસકાંઠામાં રેડ એલર્ટ

Back to top button