બનાસકાંઠા : પર્યાવરણ પ્રેમી નારણ રાવળ ને મુખ્યમંત્રીના હસ્તે વન પંડિત પુરસ્કાર એનાયત
- જિલ્લામાં કુલ 204 ગ્રામ વનોમાં 10.25 લાખ વૃક્ષોનો ઉછેર
- 170 થી વધુ વૃક્ષપ્રેમી લોકોની વૃક્ષમંડળી બનાવી પર્યાવરણ જાળવણીનો સંકલ્પ
બનાસકાંઠા 10 ઓગસ્ટ 2024 : પર્યાવરણ અને પ્રકૃતિના સંવર્ધન માટે નારણ રાવળ દ્વારા છેલ્લા સાત વર્ષથી વી.એસ.એસ.એમ સંસ્થાના માધ્યમથી પર્યાવરણ જાળવણીનું કાર્ય જિલ્લા સહિત રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે. વૃક્ષ ઉછેર અભિયાન અંતર્ગત ગામડાઓમાં જઈને વૃક્ષો અને જળસંચય માટે ગ્રામજનોની લોક ભાગીદારી થાય તે માટે ગામોને તૈયાર કરીને પોતાના ગામના તળાવ લોકો જાતે ઉંડા કરે અને ગામોની ખુલ્લી પડી રહેલ જગ્યાઓ સ્મશાન ભૂમિ ધાર્મિક સ્થાનો કે ગૌચરની બંજર જગ્યાઓ પર વૃક્ષો વવાય અને તેનું સંવર્ધન ઉછેર થાય તે માટે સરકાર સંસ્થા અને ગ્રામજનોની લોક ભાગીદારી નોંધાય તે માટેના એમના અથાગ પ્રયાસો આજે રંગ લાવ્યા છે. નારણ ભાઈને રાજ્ય સરકાર ડવરવવન પંડિત પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવતાં સમગ્ર જિલ્લામાં વૃક્ષ પ્રેમીઓમાં ખુશીની લાગણી ફેલાઇ જવા પામી છે.
પર્યાવરણ જાળવણીનું શ્રેષ્ઠ કાર્યકરતા પર્યાવરણ પ્રેમીઓને વન પંડિત પુરસ્કાર આપીને સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. જે અન્વયે આ વર્ષે ગુજરાત વન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે 75 મો વન મહોત્સવ ઉજવાયો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નારણભાઈ રાવળને વન પંડિત પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા તેઓ અનેક પર્યાવરણ પ્રેમી નાગરિકો માટે પ્રેરણાશક્તિ બની રહેશે.
બનાસકાંઠાના ગામોમાં બંજર જગ્યાઓ હરિયાળી બને તે માટે ગ્રામવનનો કોન્સેપ્ટ આપીને સ્મશાનભૂમિને હરિયાળી બનાવીને ગ્રામવનો ઊભા કર્યા છે. કુલ 204 ગ્રામ વનોમાં 10.25 લાખ વૃક્ષોનો ઉછેર થઈ રહ્યો છે અને 170 થી વધુ વૃક્ષ પ્રેમી લોકોની વૃક્ષ મંડળી બનાવીને પર્યાવરણ જાળવણી માટે સંકલ્પ બદ્ધ કર્યા છે.