MID DAY NEWS : ભારતીય નૌસેનામાં યુદ્ધ જહાજ ‘મહેન્દ્રગિરી’ની એન્ટ્રી, મિતુલ ત્રિવેદીની ધરપકડ બાદ વધુ એક ખુલાસો, સાળંગપુર બાદ કુંડળ મંદિરમાં પણ વિવાદ
‘એક દેશ, એક ચૂંટણી’ માટે કમિટીની રચના
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર એક મોટું પગલું ભરવાની કવાયત કરી રહી છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં એક દેશ એક ચૂંટણીનો મુદ્દો સતત હેડલાઇન્સ બની રહ્યો છે. આ તરફ હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, ભારત સરકારે એક સમિતિની રચના કરી છે, જે આ અંગે પોતાનો રિપોર્ટ આપશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ કમિટીના નેતૃત્વ કરશે. ભારત સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર સૂચના પણ બહાર પાડશે.કેન્દ્ર સરકારે ગઈકાલે જ 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. જે બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વિશેષ સત્રમાં મોદી સરકાર એક દેશ-એક ચૂંટણીને લઈને બિલ લાવી શકે છે અને ચર્ચા બાદ તેને પાસ કરી શકે છે. આ અટકળો શરૂ થતાની સાથે જ દેશમાં નવી ચર્ચા શરૂ થઈ હતી. જોકે ઘણા વિપક્ષી નેતાઓએ આવા કોઈપણ બિલ લાવવાને ગેરબંધારણીય ગણાવ્યુ હતું.
આજે મહેન્દ્રગિરીનું લોન્ચિંગ કરવામાં આવશે
સમુદ્રમાં ભારતની તાકાત વધુ વધવા જઈ રહી છે. ભારતીય નૌકાદળના કાફલામાં યુદ્ધ જહાજ મહેન્દ્રગિરીનો સમાવેશ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની હાજરીમાં 1 સપ્ટેમ્બર 2023ના રોજ મહેન્દ્રગિરીનું લોન્ચિંગ કરવામાં આવશે. પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવેલ આ યુદ્ધ જહાજને મુંબઈમાં મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડમાં કાર્યરત કરવામાં આવશે. આ એક એવું યુદ્ધ જહાજ છે, જેને જોઈને દુશ્મનોને પણ પરસેવો છૂટી જશે. મહત્વનું છે કે,મહેન્દ્રગિરી જહાજનું નામ ઓડિશામાં સ્થિત પૂર્વી ઘાટમાં એક પર્વત શિખર પરથી રાખવામાં આવ્યું છે. પ્રોજેક્ટ 17A ફ્રિગેટનું આ 7મું યુદ્ધ જહાજ છે. આ પ્રોજેક્ટ 17 ક્લાસ ફ્રિગેટ્સ પછીના છે જેમાં વધુ સારી સ્ટીલ્થ ફીચર્સ, અદ્યતન શસ્ત્રો અને સેન્સર છે. સાથે જ નૌકાદળે જણાવ્યું હતું કે મહેન્દ્રગિરિ એક તકનીકી રીતે અદ્યતન યુદ્ધ જહાજ છે અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના ભવિષ્ય તરફ આગળ વધતાની સાથે તેના સમૃદ્ધ નૌકા વારસાને અપનાવવાના ભારતના સંકલ્પનું પ્રતીક છે.
ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવવાનો દાવો કરવા મામલે વધુ એક ખુલાસો
કથિત ઈસરો વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની ધરપકડ બાદ એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. વાત જાણે એમ છે કે, અગાઉ સુરત ક્રાઈમબ્રાંચે મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે, ચંદ્રયાન-3ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો મિતુલ ત્રિવેદીએ દાવો કર્યો હતો. આ તરફ હવે મિતુલ ત્રિવેદીએ કેમ્બ્રિજ યુનિ.નું સર્ટિફિકેટ પણ બોગસ બનાવ્યાનો ખુલાસો થયો છે. મહત્વનું છે કે,ચંદ્રયાન-3ની સફળતા બાદ સુરતના મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન-3ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો દાવો કર્યો હતો. મિતુલ ત્રિવેદીના દાવા બાદ સુરતમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ સુરત પોલીસે બેંગલુરુ સ્થિત ઈસરોને મિતુલના ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા. ઈસરોએ મિતુલના ડોક્યુમેન્ટ્સ ખોટા હોવાની પણ પુષ્ટિ કરી છે. આ મામલે મિતુલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે આ કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે.
આદિત્ય L1 આવતીકાલે નીકળશે સૂર્યની સફરે
ભારતની અંતરિક્ષ એજન્સી ઈસરો 2 સપ્ટેમ્બરે આદિત્ય એલ1 મિશન લોન્ચ કરશે. સૂર્ય આપણા સૌર મંડળનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને આપણે આપણી પૃથ્વીને જીવન માટે જરૂરી ઉર્જા પ્રદાન કરીએ છીએ પરંતુ આ ખૂબ ઉર્જાવાન અને ખતરનાક ગ્રહ છે. સૂર્યમાં થતા વિસ્ફોટ અંતરિક્ષમાં ઉર્જા અને પદાર્થોને ફેંકે છે. જેનાથી પૃથ્વીના ઉપગ્રહો અને અન્ય અંતરિક્ષ યાનને નુકસાન થઈ શકે છે.મહત્વનું છે કે,આદિત્ય એલ1 મિશન આપણને સૂર્યના આ ખતરનાક પાસાઓને વધારે યોગ્ય રીતે સમજવામાં મદદ કરશે અને આપણને આ ખતરાથી બચવા માટે યોગ્ય રીતે વિકસિત કરવામાં સક્ષમ કરશે. સૂર્યના અભ્યાસથી આપણે સૂર્યના ગતિશીલ પરિવર્તનોના વિશે વધારે જાણકારી પ્રાપ્ત કરી શકીશુ અને આપણે આ સમજવામાં સક્ષમ થઈશું કે સૂર્ય આપણા સૌર મંડળ અને પૃથ્વી પર કેવી રીતે પ્રભાવ કરે છે. આ મિશનનો ઉદ્દેશ્ય સૂર્યના વિશે આપણી સમજને વધારે ઉંડી કરવાનો છે.
સાળંગપુર બાદ કુંડળ મંદિરમાં પણ વિવાદ
બોટાદ જિલ્લાના બરવાળાના સાળંગપુર ધામ ખાતે છેલ્લા ઘણા દિવસોથી મંદિરમાં બનાવેલી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની નીચે લાગેલા ભીંતચિત્રને કારણે કરોડો ભક્તોની લાગણી દુભાઇ છે. આ વિવાદિત ભીંતચિત્રમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીનાં દાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આજરોજ વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજી દાદાનું અપમાન થયું હોય તેવા દૃશ્યો સામે આવ્યા. બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં હનુમાનજીની મૂર્તિ મુકાઈ છે. જે મૂર્તિમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આ મુદ્દે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. વડોદરા અને રાજકોટના કેટલાક ધર્મ ગુરુઓ અને હિન્દુ સંગઠનોમાં આ બાબતે ભારે રોષ વ્યાપ્યો છે.
મુંબઈમાં I.N.D.I.A.ની ત્રીજી બેઠકનો આજે બીજો દિવસ
આજે એટલે કે 1 ઓગસ્ટે મુંબઈમાં ભારતીય રાષ્ટ્રીય વિકાસ ગઠબંધનની ત્રીજી બેઠકનો બીજો દિવસ છે. હોટેલ ગ્રાન્ડ હયાતમાં સવારે 10 કલાકે બેઠક શરૂ થશે. વિપક્ષ ગઠબંધન આજે બપોર સુધીમાં લોગો અને કન્વીનરનું નામ જાહેર કરી શકે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોગોને ત્રિરંગામાં રંગવાની તૈયારીઓ ચાલી રહી છે. I.N.D.I.Aમાં IN કેસરી રંગનો, D સફેદ રંગનો અને IA લીલા રંગનો હોઈ શકે છે. મંજૂરી બાદ આજે લોગો જાહેર કરવામાં આવશે.ચૂંટણી સમય પહેલા થવાની અટકળો વચ્ચે ગઠબંધન સીટ વહેંચણી અંગેની ફોર્મ્યુલા પર પહોંચવા માંગે છે. આ માટે પ્રદેશ કક્ષાએ પણ સમિતિઓ બનાવવાની વાત ચાલી રહી છે.31 ઓગસ્ટના રોજ બેઠકના પ્રથમ દિવસે 28 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. તેઓએ કહ્યું હતું કે તેઓ દેશ અને બંધારણને બચાવવા માટે સાથે આવ્યા છીએ. ભાજપનો સામનો કરવા માટે એક સામાન્ય કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે.
નીરજ ચોપરા ડાયમંડ લીગ ફાઇનલમાં ક્વોલિફાય
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા અને લાંબા જમ્પર મુરલી શ્રીશંકર ગુરુવારે રાત્રે ડાયમંડ લીગની ફાઇનલમાં ક્વોલિફાય થયા હતા. આ લીગની ફાઇનલ આગામી મહિને 16 અને 17 સપ્ટેમ્બરે યુજેન, યુએસએમાં યોજાશે.સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિકમાં લીગની 11મી મીટમાં, નીરજ 85.71 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યો, જ્યારે મુરલીએ લાંબી કૂદ સ્પર્ધામાં 7.99 મીટરનું અંતર કાપીને પાંચમું સ્થાન મેળવ્યું.મહત્વનું છે કે,જેવલિન થ્રો ઈવેન્ટમાં નીરજ ચોપરા બીજા ક્રમે રહ્યો હતો. તેનો સર્વશ્રેષ્ઠ થ્રો છઠ્ઠા પ્રયાસમાં 85.71 મીટરનું અંતર કાપીને આવ્યો હતો. ઝ્યુરિક મીટમાં બીજા સ્થાને રહેવા બદલ નીરજને 7 પોઈન્ટ મળ્યા હતા. હવે તેના કુલ 23 પોઈન્ટ છે. તે ઓવરઓલ સ્ટેન્ડિંગમાં ત્રીજા નંબર પર છે.