બનાસકાંઠાના નિવૃત્ત ડીવાયએસપી ની ‘આપ’ પાર્ટીમાં એન્ટ્રી


પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આમ આદમી પાર્ટીએ વેપારીઓ સાથે જન સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વેપારીઓને પડતી મુશ્કેલીઓ અંગેના અનેક પ્રશ્નો તેમને સાંભળ્યા હતા. અને વેપારીઓને પડતી મુશ્કેલીના ઉકેલ માટે જો ‘આપ’ પાર્ટીની સરકાર બને તો કેવી રીતે ઉકેલ લાવશે, તે અંગે ગોપાલ ઇટાલીયા એ વેપારીઓને તેમના પ્રશ્નોના પ્રત્યુતર આપ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી કૉંગ્રેસ, કિસાન સંઘ સહિત રાજકીય આગેવાનોએ ‘આપ’ પાર્ટીની ટોપી પહેરીને પક્ષમાં પ્રવેશ મેળવ્યો હતો.
જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી ડીવાયએસપી પદેથી દસ દિવસ પહેલા જ નિવૃત્ત થયેલા પોલીસ અધિકારી આર. કે. પટેલે પણ ‘આપ’ પાર્ટીમાં એન્ટ્રી કરી હતી. જેમને ગોપાલ ઇટાલીયા એ પાર્ટીનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. આર.કે. પટેલ બનાસકાંઠા જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાંચમાં અગાઉ ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ તેઓને ડીવાયએસપીનું પ્રમોશન મળ્યું હતું. અને બનાસકાંઠા એસપી ઓફિસમાં એડમીન ડીવાયએસપી તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા હતા. આ પદ ઉપરથી તેઓ નિવૃત્ત થયા હતા. તેમની પોલીસ ખાતામાં ફરજ દરમિયાન અનેક ગુન્હા કુનેહપૂર્વક ઉકેલ્યા હતા. અને લોકોમાં ચાહના ધરાવતા અધિકારી બન્યા હતા. બની શકે કે આગામી દિવસોમાં ‘આપ’પાર્ટી પાલનપુર વિધાનસભા બેઠક માટે ઉમેદવારની શોધ કરી રહી હતી. તેમાં આર.કે. પટેલ ને પણ કદાચ પાર્ટી વિધાનસભાના ઉમેદવાર બનાવે. જો કે પોલીસ ખાતામાંથી નિવૃત્ત થઈને બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં જોડાનાર તેઓ પ્રથમ પોલીસ અધિકારી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ