12 રનમાં આખી ટીમ આઉટ થઇ ગઈ! મોંગોલિયા ફક્ત 2 રનથી રેકોર્ડ ચૂકી ગયું
8 મે, સાનો (જાપાન): શરમજનક બેટિંગનું પ્રદર્શન કરતાં મોંગોલિયાની ટીમ જાપાન સામે T20 મેચમાં 205 રને હારી ગઈ હતી. જાપાનના સાનો ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં મંગોલિયા ફક્ત બે રનથી એક શરમજનક રેકોર્ડ તોડવાથી બચી ગયું હતું.
હજી સાત મહીના પહેલાં જ મોંગોલિયાની ટીમ એશિયન ગેમ્સમાં રમી હતી. પરંતુ જાપાન સામે મંગોલિયાની આખી ટીમ 12 રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ હતી. આ T20ના ઈતિહાસનો બીજો સહુથી ઓછો સ્કોર છે. આ અગાઉ 26 ફેબ્રુઆરી 2023ના દિવસે સ્પેન સામે આય્લ્સ ઓફ મેનની ટીમ ફક્ત 10 રને ઓલ આઉટ થઇ ગઈ હતી.
જાપાનના 17 વર્ષીય લેફ્ટ આર્મ સ્પિનર કાઝુમા કાટો-સ્ટેફોર્ડે ફક્ત 7 રન આપીને 5 વિકેટ લીધી હતી. કાટોએ કુલ 3.2 ઓવર નાખી હતી. આ ઉપરાંત અબ્દુલ સમદે 4 રનમાં 2 અને મકાટો તાનિયામાએ કોઇપણ રન આપ્યા વગર 2 વિકેટ્સ લીધી હતી.
જ્યારે મોંગોલિયા તરફથી તુર સુમાયાએ સહુથી વધુ 4 રન 11 બોલનો સામનો કરીને બનાવ્યા હતા. તો ટીમના ઓપનીંગ બેટ્સમેન નામસરાઈ બાટ-યાલાલ્ટે સહુથી વધુ 12 બોલનો સામનો કર્યો હતો. મંગોલિયાની ટીમે કુલ 8.2 ઓવર્સ જ રમી હતી.
જાપાન વિરુદ્ધ મંગોલિયાએ આ સિરીઝમાં 7 મેચો રમવાની છે જેમાંથી આ બીજી મેચ હતી. પહેલી મેચમાં પણ જાપાનના 199/5ના સ્કોર સામે મંગોલિયાની સમગ્ર ટીમ ફક્ત 33 રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી. આજે જ સિરીઝની ત્રીજી મેચ પણ રમાવાની હતી પરંતુ વરસાદને કારણે આ મેચ ધોવાઈ ગઈ હતી.
મંગોલિયાની ક્રિકેટની સફર બિલકુલ ઉત્સાહજનક નથી રહી. હાંગઝુ એશિયન ગેમ્સની પોતાની પ્રથમ બે મેચ હારી જઈને આ ટીમ પહેલા રાઉન્ડમાંથી જ બહાર નીકળી ગઈ હતી. તો તેમની પોતાની સર્વપ્રથમ મેચમાં નેપાળના 314/3ના જવાબમાં મંગોલિયાની પૂરી ટીમ 41 રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ હતી.
તો માલદિવ્સ સામેની મેચમાં પણ ટીમે 9 વિકેટો ગુમાવીને ફક્ત 60 રન કર્યા હતા.
ICCના કહેવા અનુસાર મોંગોલિયન ક્રિકેટનો જન્મ 2014માં થયો હતો જ્યારે કોઈ બટ્ટુલ્ગા ગોમ્બોએ ઉલાન બેટોરની મ્યુનિસિપલ કોર્પોરેશનને ક્રિકેટ માટે એક ઉજ્જડ જમીન માંગી હતી અને ત્યારબાદ અહીં ક્રિકેટ રમાવાનું શરુ થયું હતું. હવે તો ક્રિકેટ મંગોલિયાની રાજધાની ઉલાન બેટોરની બહાર પણ પહોંચી ગયું છે.