રાજ્યમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 3,29,552 ખેડૂતોની નોંધણી
- આગામી 11મીથી મણના રૂ.1356.60ના ભાવે કરાશે ખરીદી
રાજકોટ, 7 નવેમ્બર : રાજય સરકાર દ્વારા દર વર્ષે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતી હોય છે. આ વખતે સરકારે મગફળી સહિતની ખેત ઉપજો વેચવા માટે ઓનલાઇન નોંધણીની મુદત તા.10 નવેમ્બર સુધી લંબાવતા ખરીદી તા.11મીને સોમવારથી શરૂ થશે. ટેકાના ભાવે કુલ ખરીદી પૈકી મોટા ભાગની ખરીદી જાણીતી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. મારફત થશે. જેમાં ગઇકાલે સાંજ સુધીમાં 3,29,552 ખેડુતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે નોંધણી કરાવી છે.
આ અંગે સંયુકત ખેતી નિયામકે પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે કે, ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી વર્ષ ર૦ર૪-રપ માં ખરીદફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજય સરકાર મારફત કરવામાં આવેલ છે. ભારત સરકારએ વર્ષ ર૦ર૪-રપ મગફળી માટે રૂ. ૬૭૮૩ (રૂ. ૧૩પ૬.૬૦ પ્રતિ મણ), મગ માટે રૂ. ૮૬૮ર (રૂ. ૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ માટે રૂા. ૭૪૦૦ (રૂ. ૧૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિન માટે રૂા. ૪૮૯ર (રૂ. ૯૭૮.૪૦ પ્રતિ મણ) પ્રતિ કિવન્ટલ ટેકાના ભાવ જાહેર કરેલ છે. ભારત સરકારની પી.એમ.આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી થશે.
રાજયના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોની નોંધણી તા. ૧૦ સુધી લંબાવવામાં આવેલ છે. ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ મારફત કરવામાં આવે છે. રાજયના ખેડુતોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજયમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી તા. ૧૧ નવેમ્બરથી તા. ૮ ફેબ્રુઆરી સુધી નકકી કરવામાં આવેલ છે. રાજય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડુતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે તમામ આગોતરૂ આયોજન હાથ ધરેલ છે. ગુજકોમાસોલ દ્વારા તેના ભાગે આવતી ટેકાના ભાવની ખરીદી આવતા સોમવારથી શરૂ થશે. કુલ ૧૮૦ થી ર૦૦ કેન્દ્રો પર ખરીદી થશે. જરૂરિયાત મુજબ મગફળી ખરીદ કેન્દ્રોમાં વધઘટ કરવામાં આવશે. ખેડુત દિઠ મહતમ ૪ હજાર કિલો મગફળીની ખરીદી થશે. ગુજકોમાસોલ રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, સોમનાથ, દ્વારકા, મોરબી, પોરબંદર, મહિસાગર, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દાહોદ વગેરે જિલ્લાઓમાંથી ખરીદી કરશે.
આ પણ વાંચો :- પરાળ સળગાવવા માટે દંડ બમણો કરાયો : SCના ઠપકા બાદ કેન્દ્રનો નિર્ણય