મા રેવાને ખોળેઃ SoU ખાતે હાઉસ બોટમાં નર્મદાની યાત્રાનો અદભૂત આનંદ માણો
નર્મદાઃ કેવડિયા કોલોનીમાં આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જેને એક્તાનું પ્રતિક કહેવામાં આવે છે. તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ હવે વધુ રોમાંચમય બનશે. કારણ કે ઓથોરિટીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ પ્રસ્તુત કર્યું છે. શું તમે ક્યારેય નદીના બેકવોટરમાં હાઉસ બોટમાં સવાર થઈને યાત્રાનો આનંદ માણ્યો છે ? જો નહીં, તો એકવાર તેનો આનંદ લો. હાઉસ બોટમાં રોકાવવા કેરળ કે કાશ્મીર જવાની જરૂર હવે નહીં પડે કારણ કે આપણા રાજ્યમાં શરૂ થઈ છે હાઉસ બોટની સુવિધા. કુદરતના સાંનિધ્યમાં સુંદર લીલાંછમ વૃક્ષો,પક્ષીઓના કલરવ વચ્ચે પ્રવાસીઓ તણાવ ભર્યા જીવનમાંથી પોતાની જાતને મુક્ત કરીને અદભૂત શાંતિનો મન ભરીને આનંદ માણી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસ દરમિયાન હાઉસ બોટમાં સવાર થઈને નર્મદા મૈયાની યાત્રા કરવાનો સૌથી યાદગાર અને અનોખા અનુભવોમાંનો એક અનુભવ બની રહેશે.
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીને સરકાર દ્વારા પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે.જેના અંતર્ગત અલગ અલગ પ્રોજેક્ટ્સ અને આકર્ષણો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સી પ્લેન, ક્રૂઝ, રિવર રાફ્ટિંગ, એકતા મોલ, બટર ફ્લાય ગાર્ડ, એકતા મોલ, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, સહિતના અનેક પ્રકલ્પો પ્રવાસીઓને આકર્ષિ રહ્યા છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં વધુ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હાઉસ બોટ. અહીં આવતા પ્રવાસીઓ નર્મદા નદીમાં વિહાર કરવાની મજા હવે માણી શકશે.
ગુજરાતીઓ પોતાની વેપારકળા સાથે પ્રવાસનના શોખ માટે પણ જાણીતા છે. દેશ વિદેશમાં ગુજરાતીઓ યાત્રા કરે છે. ત્યારે ગુજરાતીઓ ખાસ કરીને હાઉસ બોટમાં રોકાવવા માટે કેરળ અને કાશ્મીર જતા હોય છે. પરંતુ હવે ગુજરાતના પ્રવાસીઓને હાઉસ બોટની મજા ગુજરાતના જ લોકપ્રિય પ્રવાસ સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં માણી શકશે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ત્રણ નંબરના તળાવ પર ખાનગી કંપની દ્વારા હાઉસ બોટની શરુઆત કરવામાં આવી છે. જેમાં રહેવા, જમવા સહિત તમામ સુવિધાઓ યાત્રીઓને મળશે.
કેવી રીતે પહોંચશો સ્ટેચ્યુ ઓફ યુનિટી
નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે તમારે વડોદરા રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધીની ટિકિટ લેવી પડશે. ત્યાંથી તમે બાય રોડ કેવડિયા પહોંચી શકો છો. જો તમે અમદાવાદથી જશો તો તમારે 200 કિમીનુ અંતર કાપવું પડશે. તમે ભરુચ રેલ્વે સ્ટેશન સુધીની કોઇ ટ્રેન પણ લઇ શકો છો. તે પણ કેવડિયાના નજીકના સ્ટેશનમાંથી એક છે. કેવડિયા પહોંચ્યા બાદ તમારે સાધુ આઇલેન્ડ સુધી આવવું પડશે. કેવડિયાથી સાધુ આઇલેન્ડ સુધી 3.35 કિમી લાંબો રાજમાર્ગ બનાવાયો છે. ત્યારબાદ મેઇન રોડથી સ્ટેચ્યુ સુધી 320 મીટર લાંબો બ્રિજ લિંક પણ બનેલો છે.
“કદી તું ઘર તજીને રે
વગડે લીલાં ઘાસમાં ઉગ્યા ફૂલ
ઉડેલી ધૂળમાં તારી જાતને ખોને રે!”
– શ્રી ધ્રુવ ભટ્ટ (ગાય તેનાં ગીત)
જાણીતા સાહિત્યકાર ધ્રુવ ભટ્ટની પંક્તિઓ અહીં સાર્થક નિવડે છે કારણ કે, તમને ફરવાનો શોખ હોય તો પછી આ ઉનાળાની રજામાં વધુ રાહ ન જુઓ ઘર, શહેરના ઘોંઘાટમાંથી બહાર નીકળો અને પહોંચી જાઓ નર્મદા જિલ્લામાં પ્રકૃતિનો આનંદ માણવા માટે.