આનંદો ! પરપ્રાંતિય આવક વધતા લીંબુ પ્રમાણમાં થયા સોંઘા, ભાવ પહોંચ્યા આટલે
લીંબુ…. સાપ્રાંત સમયમાં નામ સાંભળીને જ દાંત ખાટ્ટા થઇ જાય છે અરે સ્વાદનાં કારણે નહીં પરંતુ ભાવનાં કારણે. લીંબુનાં ભાવ એવા તો વધ્યા છે કે સોશિયલ મીડિયા પર લીંબુનાં જોક્સ અને મીમ્મસનું પૂર આવી ગયુ છે અને તે પણ એટલા ક્રિએટીવ હોય છે કે એક સમયે કોઇ પણ વિચારતે થઇ જાય કે ગજબ ક્રિએટીવિટી છે બોસ…. જો કે આવું થવાનું કારણ પણ છે જ.
અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત લીંબુના પ્રતિ એક કિલોના ભાવ રૂ.400ના ઊંચી સપાટી સુધી અથડાઇ જતા દેકારો મચી ગયો હતો, પરંતુ હાલ માર્કેટિંગ યાર્ડમાં મહારાષ્ટ્ર અને મદ્રાસ તરફથી લીંબુની આવકો વધવા લાગતો જથ્થાબંધ માર્કેટમાં લીંબુના ભાવ ગગડવા લાગ્યા છે. રાજકોટ યાર્ડમાં વધતી આવકો વચ્ચે છૂટક માર્કેટમાં પ્રતિ એક કિલો લીંબુ ક્વોલિટી મુજબ રૂ.100-225ના ભાવે વેચાયા હતા. હાલ એકંદરે તમામ શાકભાજીના ભાવમાં 30-40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
માર્કેટિંગ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્ર, મદ્રાસ, ભાવનગર અને હળવદ તરફથી આવતા લીંબુના જથ્થાની આવકો વધતા જથ્થાબંધ ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે રાજકોટ યાર્ડમાં પ્રતિ મણ લીંબુમાં રૂ.2800-4100ના ભાવે કામકાજ થયા હતા. છૂટક માર્કેટના સૂત્રો કહે છે કે, દસ દિવસ પહેલા લીંબુના પ્રતિ કિલોના ભાવ રૂ.400ની ઊંચી સપાટીએ અથડાઇ ગયા હતા, આજે ક્વોલિટી મુજબ પ્રતિ એક કિલો લીંબુનું રૂ.100-225ના ભાવે વેચાણ થયું હતું.