ભારત સામેની સેમીફાઈનલ પહેલા ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ વધી : આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત


ગુરુવારે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે આ વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચ રમાય, તે પહેલાં ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સેમિફાઈનલ પહેલાં એવાં સમાચાર મળી રહ્યાં છે કે ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વુડ ઈજાના કારણે ટીમની બહાર થઈ શકે છે. માર્ક વુડએ ઈંગ્લેન્ડનો સૌથી સફળ અને અસરકારક ઝડપી બોલર છે.તેથી આ સમાચાર ઈંગ્લેન્ડ માટે ચિંતા સમાન છે.
ભારત સામેની સેમિફાઇનલ મેચ પહેલાં ઈંગ્લેન્ડના અગ્રણી ફાસ્ટ બોલર માર્ક વૂડના સ્નાયુમાં ખેંચાણને લીધે તે પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યા ન હતો, જેથી ફાસ્ટ બોલર માર્ક વુડ ઈજાના કારણે ટીમની બહાર થઈ શકે છે. તેથી તેનું પ્લેઇંગ 11માં ફરીથી સામેલ થવું શંકાસ્પદ છે. માર્ક વૂડે આ ટૂર્નામેન્ટમાં રમાયેલી તેની 4 મેચમાં 9 વિકેટ લીધી છે.

ઘાતક ફાસ્ટ બોલર છે માર્ક વૂડ
રાઈટ આર્મ ફાસ્ટ બોલર માર્ક વૂડ ઈંગ્લેન્ડનો એક ઘાતક ફાસ્ટ બોલર છે. તે ખતરનાક અને ખૂબ જ ફાસ્ટ બોલિંગ કરી શકે છે. તાજેતરમાં જ વૂડે અફઘાનિસ્તાન સામે 4 ઓવરમાં 149.02 કિમી પ્રતિ કલાકની એવરેજથી બોલિંગ કરી હતી. આ ઉપરાંત ન્યુઝીલેન્ડ સામે પણ તેણે 154.74ની ઝડપે એટલે કે લગભગ 155 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી, જે આ વર્તમાન વર્લ્ડ કપમાં આ સૌથી ઝડપી બોલ છે.
ભારત સામેની બીજી સેમિફાઇનલ મેચ પહેલા માર્ક વુડ સ્વસ્થ નહીં થાય તો ઇંગ્લેન્ડ માટે મોટો આંચકો હશે. આવી સ્થિતિમાં વુડની જગ્યાએ ટાઇમલ મિલ્સને પ્લેઇંગ 11માં ફરીથી સામેલ કરી શકાય છે.

માર્ક વુડ સિવાય આ પ્લેયર પણ છે ઘાયલ
ઈંગ્લેન્ડ માટે સેમીફાઈનલ મેચ પહેલા ડેવિડ મલાન પણ તેની પીઠની ઈજાનો શિકાર બની ચૂક્યો છે. ભારત સામેની બીજી સેમીફાઈનલમાં પણ તેનું રમવું શંકાસ્પદ લાગે છે. તેની ઈજાને લઈને 8 નવેમ્બરે તેની ફિટનેસ ટેસ્ટ પણ થઈ હતી, પરંતુ સેમિફાઈનલમાં માલાનની રમત અંગે શંકા યથાવત્ છે. સુપર-12ની છેલ્લી મેચમાં શ્રીલંકા સામે ફિલ્ડિંગ કરતી વખતે માલનને ઈજા થઈ હતી.