ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ઘરઆંગણે આપી માત, વ્હાઈટવોશ કરી રચ્યો ઈતિહાસ
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનને તેનાં જ ઘરઆંગણે ક્લીન સ્વીપ કરી ઈતિહાસ સર્જ્યો છે. કરાચી ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું. આ મેચ જીતવાની સાથે જ ઈંગ્લિશ ટીમે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનનો વ્હાઈટવોશ કરી લીધો છે. આ મેચ પહેલા ઈંગ્લેન્ડે રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ 74 રને અને મુલતાન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ 26 રને જીતી હતી. ઈંગ્લેન્ડે ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાનને હરાવ્યું છે. તે જ સમયે, પાકિસ્તાનની ટીમને પણ પ્રથમ વખત તેના ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ મળ્યો છે.
આ પણ વાંચો : ગંભીર બીમારીમાંથી બહાર આવી આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ‘લિયોનેલ મેસ્સી’ની સંઘર્ષભરી સફર !
ઈંગ્લેન્ડે ત્રણેય ટેસ્ટ જીતી
ત્રીજી ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને પ્રથમ દાવમાં 304 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે 354 રન બનાવ્યા હતા અને 50 રનની લીડ મેળવી લીધી હતી. બીજી ઈનિંગમાં પાકિસ્તાને 216 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડ સામે 167 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડે આ લક્ષ્યાંક 2 વિકેટે મેળવી લીધો હતો. સૌથી મહત્વની વાત એ છે કે કરાચીમાં ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. તે પાકિસ્તાનનું મનપસંદ મેદાન છે અને આ મેદાનમાં પાકિસ્તાન ટીમની જીતનો રેશિયો સૌથી વધુ છે. આ મેદાન પર પાકિસ્તાને 23 મેચ જીતી છે.
England complete a 3-0 clean sweep with a dominant win in Karachi ????#PAKvENG | #WTC23 | ???? https://t.co/y5SkcqY16s pic.twitter.com/Ny7Q4EIrE1
— ICC (@ICC) December 20, 2022
ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાનને ઘરઆંગણે ક્લીન સ્વીપ મળ્યો
આ હાર પાકિસ્તાન માટે ખૂબ જ ખરાબ છે, કારણ કે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાનને ઘરઆંગણે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડે લગભગ 22 વર્ષ બાદ પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. આ સાથે પાકિસ્તાને ઘરઆંગણે સતત બીજી શ્રેણી ગુમાવી છે. અગાઉ જ્યારે ઈંગ્લેન્ડે 2000/01માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, ત્યારે તેણે શ્રેણી 1-0થી જીતી હતી.આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પણ પાકિસ્તાનને ઘરઆંગણે 1-0થી હરાવ્યું હતું. પાકિસ્તાને 1954/55માં પ્રથમ વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમી હતી, જે ભારત સામે રમાઈ હતી. ભારત સામે રમાયેલી તે પાંચ ટેસ્ટની તે શ્રેણી 0-0થી ડ્રો રહી હતી.
ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચની ટેસ્ટ સિરીઝ
પ્રથમ ટેસ્ટ (રાવલપિંડી) – ઈંગ્લેન્ડ 74 રનથી જીત્યું
બીજી ટેસ્ટ (મુલતાન) – ઈંગ્લેન્ડ 26 રનથી જીત્યું
ત્રીજી ટેસ્ટ (કરાંચી) – ઈંગ્લેન્ડ 8 વિકેટે જીત્યું
પાકિસ્તાનમાં રમાયેલી પાકિસ્તાન વિ. ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી
• 1961/62 – ઈંગ્લેન્ડ 1-0થી જીત્યું (3 ટેસ્ટ)
• 1968/69 – શ્રેણી ડ્રો (3 ટેસ્ટ)
• 1972/73 – શ્રેણી ડ્રો (3 ટેસ્ટ)
• 1977/78 – શ્રેણી ડ્રો (3 ટેસ્ટ)
• 1983/84 – પાકિસ્તાન 1-0થી જીત્યું (3 ટેસ્ટ)
• 1987/88 – પાકિસ્તાન 1-0થી જીત્યું (3 ટેસ્ટ)
• 2000/01 – ઈંગ્લેન્ડ 1-0થી જીત્યું (3 ટેસ્ટ)
• 2005/06 – પાકિસ્તાન 2-0થી જીત્યું (3 ટેસ્ટ)
• 2022/23 – ઈંગ્લેન્ડ 3-0 જીત્યું (3 ટેસ્ટ)
હેડ ટુ હેડ
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાને અત્યાર સુધી 89 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાંથી ઈંગ્લેન્ડે 29 અને પાકિસ્તાને 21 મેચ જીતી છે, જ્યારે 39 ટેસ્ટ ડ્રો રહી છે. તે જ સમયે, પાકિસ્તાનમાં બંને વચ્ચે રમાયેલી આ 27મી ટેસ્ટ હતી. જેમાંથી ઈંગ્લેન્ડે 5 અને પાકિસ્તાને 4 મેચ જીતી છે, જ્યારે 18 ટેસ્ટ ડ્રો રહી છે. ઈંગ્લેન્ડની આ જીતને ‘બેઝબોલ’ ઈફેક્ટનું પરિણામ પણ માનવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, બેઝબોલએ ઈંગ્લેન્ડના ટેસ્ટ કોચ બ્રેન્ડન મેક્કુલમનું હુલામણું નામ છે. ઈંગ્લેન્ડની ટીમમાં બ્રેન્ડન મેક્કુલમ કોચ બન્યા પછી અને બેન સ્ટોક્સ કેપ્ટન બન્યા ત્યારથી ઈંગ્લેન્ડની ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.