ENG vs BAN: વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની જીત, બાંગ્લાદેશને 137 રનથી હરાવ્યું
- બાંગ્લાદેશને જીતવા માટે 365 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પરંતુ શાકિબ અલ હસનની ટીમ 48.2 ઓવરમાં માત્ર 227 રન કરીને ઓલ આઉટ થઈ ગઈ હતી. જોસ બટલરની ટીમને પહેલી જીત મળી હતી.
ENG vs BAN: ઈંગ્લેન્ડે બાંગ્લાદેશને 137 રનથી હરાવ્યું છે. બાંગ્લાદેશને મેચ જીતવા માટે 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ શાકિબ અલ હસનની ટીમ 48.2 ઓવરમાં માત્ર 227 રન જ કરી શકી હતી અને ઓલ આઉટ થઈ ગઈ હતી. આ રીતે જોસ બટલરની આગેવાનીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. આ પહેલા ઈંગ્લેન્ડને ન્યુઝીલેન્ડ સામે 9 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
England step up in Dharamsala to garner their first #CWC23 win ⚡#ENGvBAN 📝: https://t.co/DIx6z6HF4n pic.twitter.com/NmXFDkWjaQ
— ICC (@ICC) October 10, 2023
લિટન દાસ અને મુશ્કીફુકાર રહીમે પચાસ રનનો આંકડો પાર કર્યો
બાંગ્લાદેશ તરફથી ઓપનર લિટન દાસે સૌથી વધુ રન બનાવ્યા હતા. આ વિકેટકીપર બેટ્સમેને 66 બોલમાં 76 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર મારી હતી. જો કે આ પછી બાંગ્લાદેશી બેટ્સમેનો સતત આઉટ થતા રહ્યા હતા. મુશ્કીફુકાર રહીમે 64 બોલમાં 51 રનનું કર્યા હતા. જ્યારે તૌહીદ હૃદયે 61 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી.
ઈંગ્લેન્ડ તરફથી રીસ ટોપલેએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. રીસ ટોપલેએ 10 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ લીધી હતી. ક્રિસ વોક્સને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય માર્ક વુડ, આદિલ રાશિદ, સેમ કુરન અને લિયામ લિવિંગસ્ટોને 1-1 ખેલાડીઓને આઉટ કર્યા હતા.
વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે 364 રનનો વિશાળ સ્કોર બનાવ્યો:
પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 364 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે ઓપનર ડેવિડ માલાને 107 બોલમાં 140 રન બનાવ્યા હતા. જ્યારે જો રૂટે 68 બોલમાં 82 રન બનાવ્યા હતા. આ સાથે જોની બેરસ્ટો પણ સારુ રમ્યો હતો, તેણે 59 બોલમાં 52 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશ તરફથી મહેંદી હસને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે શૌરીફુલ ઈસ્લામે 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય તસ્કીન અહેમદ અને શાકિબ અલ હસને 1-1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: વર્લ્ડ કપ 2023 : નેધરલેન્ડનો 99 રનથી પરાજય, ન્યુઝીલેન્ડની બીજી જીત