સુશાંતસિંહ રાજપૂતની બીજી પુણ્યતિથિ પર બહેન શ્વેતા સિંહ કીર્તિએ લખી ઈમોશનલ નોટ
સુશાંત સિંહ રાજપૂતની બીજી પુણ્યતિથિ પર તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેની યાદમાં એક ઈમોશનલ નોટ લખી છે. સુશાંત સિંહનું મૃત્યુ 14 જૂન 2020ના રોજ થયું હતું. તેમના અકાળ અવસાનથી દેશ હચમચી ગયો. તેમના મૃત્યુની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને તપાસમાં બહાર આવતી બાબતો સતત હેડલાઈન્સ બની રહી હતી. ચાહકો આજ સુધી સુશાંત માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. તેની બહેન શ્વેતા પણ સોશિયલ મીડિયા પર ન્યાય માટે પોતાનો અવાજ ઉઠાવી રહી છે. સુશાંતની પુણ્યતિથિ પર તેણે ચાહકોને તેની યાદમાં દીવો પ્રગટાવવા વિનંતી કરી.
શ્વેતા સિંહ કીર્તિએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં સુશાંત એક ફુગ્ગા વેચનાર નાના છોકરા સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીરની સાથે શ્વેતાએ એક ઈમોશનલ નોટ લખી છે કે, ભાઈ તમને ઘર છોડ્યાને 2 વર્ષ થઈ ગયા છે. પરંતુ તમે જે મૂલ્યો સાથે જીવ્યા હતા તેના કારણે તમે અમર બની ગયા છો. શ્વેતા સિંહ કીર્તિએ આગળ લખ્યું કે દયા, કરુણા અને બધા માટે પ્રેમ એ તમારા ગુણો હતા. અમે તમારા સન્માનમાં તમારા અદ્ભુત ગુણો અને આદર્શોને જાળવી રાખીશું.
શ્વેતા સિંહ કીર્તિએ દીપ પ્રાગટ્ય કરવા અપીલ કરી હતી
સુશાંત સિંહ રાજપૂતના ચાહકોને સંબોધિત કરતા શ્વેતા સિંહ કીર્તિએ આગળ લખ્યું કે, ચાલો આજે આપણે બધા એક દીવો પ્રગટાવીએ અને કોઈના ચહેરા પર સ્મિત લાવવા માટે નિઃસ્વાર્થ કાર્ય કરીએ.
ચાહકોએ સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માંગ કરી છે
સુશાંતની બીજી પુણ્યતિથિ પર ચાહકો માત્ર તેમના મનપસંદ સ્ટારને જ નહીં, પણ ‘સુશાંત સાથે અન્યાયના 2 વર્ષ’ ,’CBI ફાસ્ટ ટ્રેક SSR કેસ’ અને ‘સુશાંત સિંહનું સમર્થન’ જેવા ટ્રેન્ડિંગ હેશટેગ દ્વારા સુશાંતની ખ્યાતિને પણ યાદ કરી ન્યાયની માંગ કરી રહ્યા છે.