અમદાવાદ, 03 જૂન 2024, વિમાનમાં બોમ્બ મુકાયો હોવાની અફવા હોવાના સમાચારો અનેક વખત પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે ફરીવાર એક વિમાનમાં બોમ્બ મુકાયો હોવાની અફવાને લીધે તે વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં બોમ્બ હોવાની અફવાને કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. વિમાનમાં બોમ્બ હોવા અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
વિમાનમાં 186 મુસાફરો સવાર હતાં
દિલ્હીથી મુંબઈ જતી આકાશ એરલાઈન્સના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી બાદ તે વિમાનને અમદાવાદ ડાયવર્ટ કરી એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિમાનમાં ડૉગ સ્કવોડ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આજે દિલ્હીથી મુંબઈ જઈ રહેલા આકાશ એરના QP 1719 વિમાનમાં 186 મુસાફરો સવાર હતાં. જેમાં એક બાળક અને 6 ક્રુ મેમ્બરો પણ હતાં. સુત્રોના જણાવ્યા પ્રમાણે ટીશ્યૂ પેપર પર બોંબ થ્રેટ લખાણ હતું.
મુસાફરોને ઉતાર્યા બાદ ફ્લાઇટની તપાસ કરવામાં આવી
બોમ્બ હોવાની ધમકી મળતા જ નિર્ધારિત સલામતી અને સુરક્ષા પ્રક્રિયાઓ અનુસાર વિમાનને અમદાવાદ તરફ વાળવામાં આવ્યું હતું. ફ્લાઇટના કેપ્ટને તમામ જરૂરી કટોકટીની પ્રક્રિયાઓનું પાલન કર્યું. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટ સવારે 10:13 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઇ હતી. અહીં ઉતર્યા બાદ તમામ મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. વિમાનમાંથી મુસાફરોને ઉતાર્યા બાદ ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે.