ભારતીય સૈન્યના હેલિકોપ્ટરનું ખેતરમાં તાકીદનું લેન્ડિંગ, ચાર જવાન બચી ગયા
મુંબઈ, 4 મે, 2024: ભારતીય સૈન્યના એક હેલિકોપ્ટરનું મહારાષ્ટ્રમાં આજે બપોરે તાકીદનું ઉતરાણ કરાવવું પડ્યું હતું. સમયસર આ તાકીદનું લેન્ડિંગ શક્ય બનતાં તેમાં મુસાફરી કરી રહેલા સૈન્યના ચાર જવાન બચી ગયા હતા.
મહારાષ્ટ્રના એરંડોલીમાં પસાર થઈ રહેલા સૈન્યના આ હેલિકોપ્ટરમાં યાંત્રિક ખામી સર્જાતા તેનું તાકીદે ઉતરાણ કરાવવું પડ્યું હતું. હેલિકોપ્ટરને ખુલ્લા ખેતરમાં ઉતારવામાં આવ્યું હતું. ઘટના સવારે લગભગ 11.30થી 12.00ની વચ્ચે બની હતી. પાયલટની કુનેહથી સરળ રીતે તાકીદનું લેન્ડિંગ થવાને કારણે તેમાં સવાર ચાર સૈન્ય જવાન બચી ગયા હતા.
આર્મીનું આ હેલિકોપ્ટર નાસિકથી બેલાગવી માટે રવાના થયું હતું તે પહેલાં સાંગલીના એરંડોલીમાં ખેતરોમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ હેલિકોપ્ટરમાં એક પાયલટ અને 4 સૈનિકો સવાર હતા. સેનાના હેલિકોપ્ટરના લેન્ડિંગના સમાચાર મળતાની સાથે જ મોટી સંખ્યામાં ગામલોકો ખેતરોમાં એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવી પડી હતી.
આ પહેલા ગઈકાલે (3 મે) મહારાષ્ટ્રના મહાડ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સુષ્મા અંધારેનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સદનસીબે અંધારે હેલિકોપ્ટરમાં ચઢે તે પહેલા જ આ અકસ્માત થયો હતો. હેલિકોપ્ટરનો પાયલોટ પણ સલામત રીતે બચી ગયો હતો.