બોમ્બની અફવાને પગલે ફ્લાઇટનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
- 6 ક્રૂ મેમ્બર સહિત 185 મુસાફરોનાં જીવ અધ્ધર થયાં
- મુસાફરે બોમ્બની વાત કહી ફ્લાઇટમાં હંગામો મચાવ્યો
- આ દરમિયાન પ્લેન લગભગ 40 મિનિટ સુધી હવામાં રહ્યું
પૂણેથી દિલ્હી જતી આકાસા એરની ફ્લાઇટમાં બોમ્બની અફવાને પગલે મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લેન્ડિંગ ત્યારે કરવામાં આવ્યું જ્યારે ઉડતી ફ્લાઇટમાં એક મુસાફરે કહ્યું કે ‘તેની બેગમાં બોમ્બ છે.’ આ દરમિયાન પ્લેન લગભગ 40 મિનિટ સુધી હવામાં રહ્યું. આ પછી ફ્લાઇટને તાત્કાલિક મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરાઈ હતી અને તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પ્લેનમાં બોમ્બ છે તે જાણતાં જ ફ્લાઇટમાં હાજર 6 ક્રૂ મેમ્બર સહિત 185 મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
ચેકિંગ દરમિયાન પેસેન્જરે સાચી વાત કહી
ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયા પછી CISF અધિકારીએ મુંબઈ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. જે બાદ તે ફ્લાઇટ પેસેન્જરના સામાનની તલાશી લેવામાં આવી હતી અને તે સમયે BDDS ટીમ તેમજ પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતા. શંકાસ્પદ મુસાફરના સામાનની ઝીણવટભરી તપાસ દરમિયાન પોલીસને કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. એક અધિકારીએ કહ્યું કે જે વ્યક્તિએ કહ્યું હતું કે તેની બેગમાં બોમ્બ છે, તેને છાતીમાં દુ:ખાવો ઉપાડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
ફ્લાઇટ સવારે 6 વાગ્યે મુંબઈ એરપોર્ટથી રવાના થઈ હતી
ફ્લાઇટમાં તેની સાથે તેનો એક સંબંધી પણ મુસાફરી કરી રહ્યો હતો. સંબંધીએ પોલીસને જણાવ્યું કે તેના મિત્રને છાતીમાં દુ:ખાવાની દવા લીધી હતી. ત્યારબાદ તે મનફાવે એમ બોલવા લાગ્યો હતો. જેના કારણે તેણે બોમ્બ હોવાનું જણાવતાં ફ્લાઇટમાં હોબાળો મચી ગયો હતો. તમામ પ્રકારની તપાસ કર્યા બાદ પોલીસે ક્લીયરન્સ આપ્યું અને અકાસા એરની ફ્લાઈટ સવારે 6 વાગ્યે મુંબઈ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઈ. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે ખેતરમાં કર્યુ ઈમરજન્સી લેન્ડિંગ