અધિકારીઓ લાઓસ સત્તાવાળાઓ સાથે મળીને તેમને સુરક્ષિત ભારત લાવવા માટે કામ કરી રહ્યા છે: ભારતીય દૂતાવાસ
વિએન્ટિયાન, 7 ઓગસ્ટ: લાઓસમાં ભારતીય દૂતાવાસે ગોલ્ડન ટ્રાયેન્ગલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં સાયબર-સ્કેમ સેન્ટરોમાંથી 14 ભારતીય યુવાનોને બચાવ્યા છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, અધિકારીઓ લાઓસ સત્તાવાળાઓ સાથે મળીને તેમને સુરક્ષિત ભારત લાવવા માટે કામ કરી રહ્યા છે. લાઓસમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 548 ભારતીય યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે.
Laos: 14 Indian youth rescued from cyber-scam centers
ટ્વિટર પર એક પોસ્ટમાં, લાઓસમાં રહેલા ભારતીય દૂતાવાસે ભારતીય યુવાનો માટે મહત્ત્વપૂર્ણ સલાહ આપી હતી. તેમણે લાઓસમાં નોકરીની ઓફર અંગે ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી હતી.લાઓસમાં રહેલા ભારતીય દૂતાવાસે X પર વધુમાં કહ્યું કે,” ભારતીય યુવાનોને લાઓસમાં કોઈપણ નોકરી પ્રસ્તાવ વિશે પોતાને જોખમમાં ન નાખવાની સલાહ આપવામાં આવે છે જે સાઇબર સ્કેમ કરવા માટે તમને લાલચાવી શકે છે અને દબાણ કરી શકે છે. આ એડવાઈઝરીને ધ્યાનથી વાંચો અને તેનું પાલન કરો. તાજેતરમાં, એવા કિસ્સાઓ અમારા ધ્યાન પર આવ્યા છે કે જેમાં ભારતીય નાગરિકો થાઈલેન્ડ દ્વારા લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક (PDR)માં નોકરી માટે લલચાવવામાં આવી રહ્યા છે.”
ભારતીય દૂતાવાસે વધુમાં કહ્યું કે, “આ નકલી નોકરીઓ લાઓસના ગોલ્ડન ટ્રાયેન્ગલ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં કોલ-સેન્ટર સ્કેમ અને ક્રિપ્ટોકરન્સીની છેતરપિંડીમાં સંડોવાયેલી શંકાસ્પદ કંપનીઓ દ્વારા ‘ડિજિટલ સેલ્સ એન્ડ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ’ અથવા ‘કસ્ટમર સપોર્ટ સર્વિસ’ જેવા પદ માટે હોય છે. દુબઈ, બેંગકોક, સિંગાપોર અને ભારત જેવા દેશોમાં આ કામગીરી સાથે જોડાયેલા એજન્ટો એક સરળ ઇન્ટરવ્યુ અને ટાઇપિંગ ટેસ્ટ કરી અને ઉચ્ચ પગાર, હોટેલ બુકિંગ તેમજ રિટર્ન એર ટિકિટ અને વિઝાની સુવિધા આપીને ભારતીય નાગરિકોની ભરતી કરે છે. પીડિતો ગેરકાયદેસર રીતે થાઇલેન્ડથી લાઓસમાં સરહદ પાર કરવામાં આવે છે અને લાઓસમાં ગોલ્ડન ટ્રાયેન્ગલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં “કઠોર અને પ્રતિબંધિત પરિસ્થિતિઓ” હેઠળ કામ કરવા માટે તેમને બંદી બનાવવામાં આવે છે.
લાઓસમાં રહેલા ભારતીય દૂતાવાસે પોતાના નિવેદનમાં વધુ જણાવ્યું હતું કે, ” ઘણી વાર ભારતીય નાગરિકોને ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં રોકાયેલી ગેંગદ્વારા બંધક બનાવી લેવામાં આવે છે અને સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપીને કઠોર સ્થિતિમાં કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. અન્ય કેટલાક કિસ્સાઓમાં, ભારતીય કામદારોને ઓછા ખર્ચે કામ કરવા માટે લાઓસના અન્ય વિસ્તારોમાં જેવા કે ખાણકામ, લાકડાના કારખાનાઓ વિગેરે પર લઈ જવામાં આવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તેમના સંચાલકો તેમનું શોષણ કરે છે અને તેમણે ગેરકાયદેસર કામમાં ફસાવે છે. ભારતીયોને ખૂબ જ મુશ્કેલ સંજોગોમાંથી બચાવી લેવામાં આવ્યા છે.
ભારતીય દૂતાવાસે કહ્યું કે, થાઈલેન્ડ અથવા લાઓસમાં વિઝા ઓન અરાઈવલ રોજગારની પરવાનગી આપવામાં આવતી નથી અને લાઓસના સત્તાવાળાઓ આવા વિઝા પર લાઓસની મુસાફરી કરતા ભારતીય નાગરિકોને વર્ક પરમિટ આપતા નથી. તેથી એ ધ્યાન રાખવું યોગ્ય છે કે, પ્રવાસી વિઝાનો ઉપયોગ ફક્ત પ્રવાસ કરવાના હેતુઓ માટે જ થવો જોઈએ. જુલાઈની શરૂઆતમાં, વિદેશ પ્રધાન એસ જયશંકર લાઓસના વડા પ્રધાન સોનેક્સે સિપાંડનને મળ્યા હતા. મીટિંગ દરમિયાન, એસ.જયશંકરે સાયબર કૌભાંડ કેન્દ્રો દ્વારા ભારતીય નાગરિકોની હેરફેરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જયશંકરે કંબોડિયા અને થાઈલેન્ડના વિદેશ મંત્રીઓ સાથે ભારતીયોની રાહત અને બચાવ અંગે પણ ચર્ચા કરી હતી.