મસ્કને જજ સાથેની તકરાર ભારે પડી! બ્રાઝિલની SCએ Xની સેવાઓ સ્થગિત કરી; જાણો સમગ્ર મામલો
- X કંપનીના માલિક ઈલોન મસ્કને બ્રાઝિલે મોટો ઝટકો લાગ્યો
સાઓ પાઉલો (બ્રાઝીલ), 31 ઓગસ્ટ: X કંપનીના માલિક ઈલોન મસ્કને બ્રાઝિલે મોટો ઝટકો આપ્યો છે. જજ સાથેની તકરાર તેમને ભારે પડી છે. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે દેશમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ની સેવાઓ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. જેના કારણે ઈલોન મસ્કની મુશ્કેલીઓ વધી ગઈ છે. નિર્ણય અનુસાર, જજ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસે આ પગલું ‘X’ના માલિક ઈલોન મસ્ક દ્વારા બ્રાઝિલમાં કંપનીના કાનૂની પ્રતિનિધિને નિયુક્ત કરવાનો ઇનકાર કર્યા પછી લીધું છે.
આ પગલું અભિવ્યક્તિની આઝાદી, ફાર-રાઇટ એકાઉન્ટ(Far-right accounts) અને ખોટી માહિતીના પ્રવાહને લઈને મસ્ક અને જસ્ટિસ મોરેસ વચ્ચે મહિનાથી ચાલતા મતભેદનું પરિણામ છે. જસ્ટિસ મોરેસે બુધવારે મસ્કને ચેતવણી આપી હતી કે, જો તે બ્રાઝિલમાં કાયદાના પ્રતિનિધિને નિયુક્ત કરવાના તેમના આદેશનું પાલન નહીં કરે તો દેશમાં ‘X’ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે આદેશનું પાલન કરવા માટે 24 કલાકની સમયમર્યાદા પણ નક્કી કરી હતી. આ મહિનાની શરૂઆતથી મસ્કની કંપની પાસે બ્રાઝિલમાં કોઈ કાનૂની પ્રતિનિધિ નથી.
The oppressive regime in Brazil is so afraid of the people learning the truth that they will bankrupt anyone who tries https://t.co/VgYPRJMXJv
— Elon Musk (@elonmusk) August 30, 2024
કયા જજે ચુકાદો સંભળાવ્યો?
જસ્ટિસ મોરેસે પોતાના નિર્ણયમાં લખ્યું છે કે, “ઈલોન મસ્કે બ્રાઝિલના સાર્વભૌમત્વ અને ખાસ કરીને ન્યાયતંત્ર પ્રતિ સંપૂર્ણ અનાદર દર્શાવ્યો છે. આમ તેઓ એવું વર્તન કરી રહ્યા છે જાણે તેઓ હકીકતમાં એક ‘સુપરનેશનલ એન્ટિટી’ છે જે દરેક દેશના કાયદાઓમાંથી મુક્ત છે.” સુપરનેશનલ એન્ટિટી’નો મતલબ એવી એવી એન્ટિટી સાથે હોય છે જે રાષ્ટ્રીય સીમાઓ અને હિતોની બહાર નિર્ણય લેવાની શક્તિ અને પ્રભાવ ધરાવે છે. જસ્ટિસ મોરેસે કહ્યું કે, જ્યાં સુધી કંપની તેમના આદેશનું પાલન ન કરે ત્યાં સુધી બ્રાઝિલમાં ‘X’ની સેવાઓ સ્થગિત રહેશે. તેમણે VPN (વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક) દ્વારા દેશમાં ‘X’ ને એક્સેસ કરવાનો પ્રયાસ કરતા લોકો અને કંપનીઓ પર પ્રતિ દિવસ US $8,900નો દંડ ફટકારવાનો આદેશ પણ આપ્યો છે.
એપ સ્ટોરને VPN હટાવવાનો નિર્દેશ
બાદમાં, અન્ય એક આદેશમાં, જસ્ટિસ મોરેસે અગાઉના નિર્ણયને પાછો ખેંચ્યો હતો જેમાં તેમણે ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ અને ટેલિકોમ રેગ્યુલેટરને ‘X’ સુધીના ઍક્સેસને અવરોધિત કરવા તથા ‘એપ સ્ટોર’ને VPN હટાવવા માટે પાંચ દિવસનો સમય આપ્યો હતો. નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, બ્રાઝિલના ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટર ‘એનાટેલ’ પાસે નિર્ણયને લાગુ કરવા માટે 24 કલાકનો સમય હશે. એનાટેલના ચેરમેન કાર્લોસ બેગોરીએ ગ્લોબોન્યૂઝને જણાવ્યું હતું કે, દેશના મોટા સેવા પ્રદાતાઓ તાત્કાલિક પગલાં લેશે, પરંતુ નાની કંપનીઓને Xની સેવાઓ સ્થગિત કરવા માટે વધુ સમયની જરૂર પડી શકે છે.’
મળતી માહિતી મુજબ, બ્રાઝિલની સુપ્રીમ કોર્ટની એક સંપૂર્ણ બેંચ આ કેસ પર ચુકાદો આપશે, પરંતુ સુનાવણી માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. Xએ ગુરુવારે મોડી રાત્રે તેના સત્તાવાર ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ પેજ પર પોસ્ટ કર્યું હતું કે, કંપનીને આશંકા છે કે મોરેસ બ્રાઝિલમાં ‘X’ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી શકે છે, કારણ કે અમે રાજકીય વિરોધીઓને સેન્સર કરવાના હેતુથી તેના ગેરકાયદેસર આદેશોનું પાલન કરીશું નહીં.”
આ પણ જૂઓ: ભારતીયો વિરુદ્ધ જાતિવાદી પોસ્ટ કરવા બદલ Barry Stantonનું X એકાઉન્ટ થયું સસ્પેન્ડ