ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તી મસ્કને પડી ભારે, લાગ્યો 9 લાખ કરોડનો ચૂનો

ન્યુયોર્ક, 11 માર્ચઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મિત્ર અને દુનિયાના સૌથી શ્રીમંત એવા એલન મસ્ક હાલમાં પોતાના મિત્રને કારણે પરેશાન હોવાનું જાણવા મળ્યુ છે. વાત જાણે એમ છે કે દુનિયાને લાગી રહ્યુ છે કે ટ્રમ્પની દોસ્તીથી મસ્કને ફક્ત ફાયદો જ ફાયદો થશે પરંતુ તેનાથી વિપકીત મસ્કને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યુ છે. ચાલો જાણીએ કેવી રીતે ટ્રંપની દોસ્તીથી એલન મસ્કને ફક્ત 2 મહિનામાં જ રૂપિયા 9 લાખ કરોડનો ચૂનો લાગ્યો છે.
આજની તારીખે કંપનીની ઇલેક્ટ્રિક કારની માંગની ચિંતાએ વૈશ્વિક બજારોમાં ટેસ્લાનો શેર ઘટીને ચાર વર્ષની તળીયે ધકેલાઇ ગયો છે. યુબીએસ ગ્રુપ એજીના જોસેફ સ્પાકએ ટેસ્લાની કારના ક્વાર્ટરમાં અને સમગ્ર વર્ષમાં ડિલીવરી અંદાજોમાં ઘટાડો ટેસ્લાના શેરમાં 15 ટકાનો ઘટાડો થયો છે.
મસ્કથી નારાજ છે લોકો
જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે, ત્યારથી તેમણે પોતાની ટેરિફ ધમકીઓથી આખી દુનિયાને પરેશાન કરી દીધી છે. જેમાં ખાસ કરીને જે એક સમયે અમેરિકાની સૌથી નજીક હતા તેવા યુરોપિયન દેશો છે, જે હવે તેનાથી દૂર થઈ રહ્યા છે. ટ્રમ્પની આ ટેરિફ નીતિ અન્ય દેશોમાં અમેરિકા અને ટ્રમ્પ સામે ગુસ્સો પેદા કરી રહી છે, તો બીજી તરફ ટ્રમ્પના નજીકના મિત્ર એલન મસ્ક સામે પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકો એલન મસ્કની કંપની ટેસ્લા પાસેથી કાર ન ખરીદીને પોતાનો ગુસ્સો બતાવી રહ્યા છે. આ કારણે, મસ્કને દર મહિને ભારે નુકસાન થઈ રહ્યું છે અલબત્ત દેશી ભાષામાં કહીએ તો મસ્કને કરોડો રૂપિયાનો ચૂનો લાગ્યો છે.
ટેસ્લા કાર વેચાઈ રહી નથી
એલન મસ્કની કંપની ટેસ્લા દ્વારા ઉત્પાદિત કારનું વેચાણ હવે ઝડપથી ઘટી રહ્યું છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં, ટેસ્લાના વેચાણમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જર્મનીની વાત કરીએ તો, અહીં ટેસ્લાના વેચાણમાં 76 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ટેસ્લા કારના વેચાણમાં ફ્રાન્સમાં 45 ટકા, ઇટાલીમાં 55 ટકા, નેધરલેન્ડ્સમાં 24 ટકા, સ્વીડનમાં 42 ટકા અને સ્પેનમાં 10 ટકાનો ઘટાડો થયો છે. ઓસ્ટ્રેલિયા અને ચીનમાં પણ ટેસ્લા કાર વેચાઈ રહી નથી. તદુપરાંત ઓસ્ટ્રેલિયામાં 66 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચીનમાં 49 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ટેસ્લાના શેર પણ ઘટી રહ્યા છે
આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં, ટેસ્લાના શેર લગભગ 30 ટકા ઘટ્યા હતા. જો આપણે છેલ્લા એક મહિનાની વાત કરીએ તો ટેસ્લાના શેર લગભગ 25 ટકા ઘટ્યા છે. ટેસ્લાના શેરમાં આ ઘટાડો ગૂગલ અને એનવીડિયા કરતા પણ મોટો છે.
9 લાખ કરોડનું નુકસાન
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના રિપોર્ટ મુજબ, આ વર્ષે એલન મસ્કની સંપત્તિમાં 103 અબજ ડોલર એટલે કે આશરે 9 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. એલન મસ્કની વર્તમાન નેટવર્થ વિશે વાત કરીએ તો, તે લગભગ 330 અબજ ડોલર છે.
આ પણ વાંચોઃ યુએસ શેરબજારમાં આવેલ ભૂકંપની અસર જોવા મળી, સેન્સેકસ અને નિફ્ટીમાં નોંધાયો કડાકો