કેલિફોર્નિયાઃ વિશ્વમાં સૌથી અમીર વ્યક્તિ, સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક જેઓ હંમેશા પોતાની ટ્વીટ અને બિઝનેસ ડીલ માટે ચર્ચામાં રહે છે, હાલમાં તે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જોકે, આ વખતે તે કોઈ બિઝનેસ ડીલને લઈને નહીં પરંતુ એક જૂના આરોપને લઈને ચર્ચામાં છે. વાસ્તવમાં વર્ષ 2016માં એક ફ્લાઈટ એટેન્ડન્ટે એલોન મસ્ક પર ફ્લાઈટમાં તેની સાથે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આ જ કેસમાં હવે એવી ખબર સામે આવી રહી છે કે, ફ્લાઇટ એટેન્ડન્ટને શાંત કરવા માટે તેને 2 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. યૌન ઉત્પીડનના આ કેસને દબાવવા માટે વર્ષ 2018માં યુવતીને કથિત રીતે પૈસા આપવામાં આવ્યા હતા.
યુવતીને પ્લેનના પ્રાઈવેટ રૂમમાં બોલાવાઈ
જે યુવતીનું જાતીય શોષણ થયું હતું તે મસ્કની કંપની સ્પેસએક્સમાં કોન્ટ્રાક્ટ વર્કર તરીકે પ્લેનમાં સહાયકનું કામ કરતી હતી. આ અંગે પીડિતાના એક મિત્રના જણાવ્યાં અનુસાર, ફ્લાઇટ દરમિયાન તેની મિત્રને મસાજ માટે પ્રાઇવેટ રૂમમાં મોકલવામાં આવી હતી. જ્યાં એલોન મસ્કે પ્રાઇવેટ પાર્ટ્સ બતાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ મસ્કની પ્રાઈવેટ કેબિનમાં મસાજ દરમિયાન મસ્કે એટેન્ડન્ટને સેક્સ માટે કહ્યું હતું. અને ફ્લાઇટના એક ખાનગી રૂમમાં મહિલા સ્ટાફ પર જાતીય શોષણ કરવાનો પ્રયાસ કર્યો અને બદલામાં તેને ઘોડો ગિફ્ટ કરવાની ઓફર પણ કરી હતી. ત્યારે કોન્ટ્રાક્ટ કર્મચારીએ ઓલોન મસ્ક પર સનસનાટીભર્યા આરોપો લગાવીને ખળભળાટ મચાવ્યો છે.
શોષણના આરોપમાં 2018માં થયું સેટલમેંટ
ઓલોન મસ્કના સેક્સ્યુઅલ ઓફરને એટેન્ડન્ટે ઠુકરાવી દિધી હતી. જેના લીધે એટેન્ડન્ટને કામ દરમિયાન સજા આપવામાં આવતી હતી. ત્યારબાદ એટેન્ડન્ટે કેલિફોર્નિયામાં વકીલ રાખીને આ મામલે કંપનીના માનવ સંસાધાન વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ કંપનીએ તેના મિત્ર સાથે વાત કરીને આ મામલાને રફા-દફા કરી દેવાનું કહ્યું હતું. આ મામલાને ક્યારેય કોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યો નથી અને તેના બદલે યુવતીને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. તો તેમને આ મામલાને ગુપ્ત રાખવાનું પણ કહેવામાં આવ્યું હતું.