હાથીએ તેના ગુસ્સે થયેલા સાથીને પ્રેમ વરસાવીને શાંત પાડ્યો, જૂઓ વીડિયો
બેંગલુરુ (કર્ણાટક), 04 ફેબ્રુઆરી: વર્ષો પહેલાં આવેલી રાજેશ ખન્ના અને તનુજાની ફિલ્મ હાથી મેરે સાથીમાં હાથીને જે લાગણી દર્શાવતો બતાવવામાં આવ્યો હતો એવો જ એક વાસ્તવિક કિસ્સો તાજેતરમાં જોવા મળ્યો. એક હાથી તેના રક્ષક પ્રત્યે વ્હાલ કરતો એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે, હાથી તેના રક્ષકને કેટલો પ્રેમ વરસાવે છે. મહત્ત્વનું છે કે, દરેક વ્યક્તિ માનવ પ્રેમ અને લાગણીઓ વિશે વાત કરે છે, પરંતુ અમુકવાર પ્રાણીઓની લાગણીઓ વ્યક્તિ કરતા વધુ ઊંડી અને મજબૂત છે તે સાબિત થાય છે. જે આ વાયરલ વીડિયોને જોતા ખ્યાલ આવે છે.
View this post on Instagram
zindagi.gulzar.h નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં એક હાથી તેના શરીર પર ચંદન લપેટીને જોવા મળે છે. વીડિયો જોઈને એમ લાગે છે કે, રક્ષક હાથી પર ગુસ્સે છે અને હાથી વ્હાલ કરીને તેને શાંત પાડી રહ્યો છે. હાથી સૌથી પહેલા ઊભેલા વ્યક્તિની હાથમાંથી લાકડી લઈને પોતાના મોંઢામાં ભરાવી દે છે. ત્યારબાદ તે પોતાની સૂંઢ દ્વારા વ્યક્તિને પોતાના તરફ ખેંચે છે. હાથીના આ નિ:સ્વાર્થ પ્રેમ જોઈને રક્ષક પણ પીગળી જાય અને તેની સૂંઢ પર હાથ ફેરવીને પ્રેમ વરસાવે છે. ત્યારબાદ ફરી વ્યક્તિ આગળ જાય છે અને પાછળથી હાથી પોતાની સૂંઢ વડે તેને ઝકડી લે છે. આ વીડિયો ખરેખર નવાઈ પમાડે તેવો છે.
આ વીડિયોને 20 લાખથી વધુ વ્યૂઝ મળ્યા
આ વીડિયોને 20 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. અને 1 લાખ 63 હજારથી વધુ લાઈક્સ મળી છે. કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે કહ્યું કે આ નજારો કર્ણાટકના મલાઈ મહાડેશ્વર મંદિરનો છે. કોમેન્ટ કરીને લોકો કહી રહ્યા છે કે અવાજ વગરના પ્રાણીની લાગણી માનવીની લાગણીઓ કરતાં વધુ મજબૂત હોય છે. એક યુઝરે લખ્યું, ‘જાનવરો માનવીઓ કરતાં વધુ વફાદાર હોય છે.’ જ્યારે બીજાએ લખ્યું, ‘કેટલું સુંદર છે, આને કહેવાય અનકન્ડીશનલ લવ’.
આ પણ વાંચો: ટોંક જિલ્લાના હાથી ભાટા રહસ્યમય છે, કોણે બનાવી હતી આ હાથીની વિશાળ પ્રતિમા ?