રાજકોટમાં કચરામાંથી ઉતપન્ન કરવામાં આવશે વીજળી, મનપાનો નવો પ્રોજેકટ
ગુજરાત રાજય સરકારની ‘વેસ્ટ ટુ એનર્જી’ પોલોસી 2016 અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાકરાવાડી ખાતે પી.પી.પી.ના ધોરણે ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટની કામગીરી ચાલી રહેલ છે. ઘન કચરાના નિકાલ કરવા આયોજનના ભાગરૂપે વેસ્ટ ટુ એનર્જી પ્લાન પી.પી.પી.ના ધોરણે અમદાવાદની એબેલોન ક્લીન એનર્જી પ્રા.લિ.ને કામગીરી આપવામાં આવેલ છે.
પ્રતિ દિવસ 1000 ટન કચરાનો થશે નિકાલ
આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ રૂ.251 કરોડ જેટલો થનાર છે. નાકરાવાડી ગામમાં ચાલી રહેલ આ કામગીરી પૂર્ણ થયા બાદ 1000 ટન પ્રતિ દિવસ કચરો નિકાલ કરશે. જે અંદાજે 25 એકર ફાળવેલ છે જેમાંથી 15 એકરમાં પ્લાન્ટ નિર્માણ કાર્ય ચાલુ છે. એનર્જી પ્રોડક્શન કેપેસીટી 14.9 મેગા વોટ પર અવર રહેશે. હાલ અંદાજીત 55% થી વધુ સિવીલ કામ થઈ ગયેલ છે. આ પ્લાન્ટ કાર્યરત થતાં શહેરમાંથી ઉત્પન્ન થતા ઘન કચરાના નિકાલની વ્યવસ્થા સુદ્રઢ થશે. ઘન કચરાના નિકાલથી વિજ શક્તિનું ઉત્પાદન થશે. જુના ડમ્પ થયેલા ઘન કચરાનો નિકાલ પણ કરવામાં આવશે.
લોકો પ્લાન્ટની મુલાકાત પણ લઈ શકશે, અનેક રમતો પણ રમી શકાશે
આ પ્લાન્ટમાં ખુલ્લી જગ્યામાં 14 હજારથી વધુ વૃક્ષો વાવામમાં આવનાર છે. જે પૈકી હાલમાં, 12 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આ ઉપરાંત 6700 ચો.મી. એરીયા રમત ગમત માટે રાખવામાં આવી છે. જેમાં ફૂટબોલ, વોલીબોલ, ખો-ખો, ક્રિકેટ વગેરે રમતો રમી શકાય તેવું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આ પ્લાન્ટની મુલાકાતે આવનારા લોકો માટે 700 સ્ક્વેર મીટરમાં કાફે પોઈન્ટ કરવામાં આવનાર છે. મહાનગરપાલિકા દ્વારા અધ્યતન બની રહેલ ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટની જાણકારી, પર્યાવરણ અને સ્વચ્છતાની જાગૃતિ માટે માહિતી અને મુલાકાત માટે આયોજન કરાશે.
શાસકો અને અધિકારીઓએ લીધી હતી પ્લાન્ટની મુલાકાત
આ પ્લાન્ટ ઈન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા આઈ.જી.બી.સી. પ્લેનીનમ કેડરનું રેટિંગથી પ્રમાણિત કરવામાં આવેલ છે. પદાધિકારીઓએ પ્લાન્ટ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે એજન્સીને સુચના આપેલ તેમજ પ્લાન્ટની એજન્સીના હોદેદારો પાસેથી જરૂરી માહિતીની ચર્ચા કરવામાં આવેલ હતી. આ પ્રોજેકટની સ્થળ મુલાકાત મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર તથા ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડે.કમિશનર એ.આર.સિંહ, નાયબ પર્યાવરણ અધિકારી વી.એમ.જીંજાળા, એજન્સી એબેલોન ક્લીન એનર્જી પ્રા.લિ.ના પ્રેસિડન્ટ અને ડાયરેક્ટર પંકજ પટેલ, એસ. આર. કોર્પોરેટ અફેર કિરીટ કણજારીયા, સિનીયર વાઈસ કોર્પોરેટ અફેર પાર્થ પંડ્યા, સિનીયર મેનેજર કોર્પોરેટ અફેર ઉમંગ મકવાણા વગેરેએ લીધી હતી.