ક્રિકેટ સ્ટેડિયમમાં વીજળી ગુલ, ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાનારી મેચનું શું થશે?
- છત્તીસગઢના શહીદ વીર નારાયણસિંહ સ્ટેડિયમમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T-20 મેચ
- સ્ટેડિયમનું રૂ. 3.25 કરોડનું બિલ બાકી હોવાથી વીજળી કરવામાં આવી કટ
- આજની ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જનરેટર પર આધારિત મેચ રહેશે
છત્તીસગઢ, 1 ડિસેમ્બર : ભારતીય ટીમ માટે આજની ક્રિકેટ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતીય ટીમ હાલમાં T20ની શ્રેણીમાં 2-1થી આગળ છે. જો તેઓ આજે આ મેચ જીતશે તો શ્રેણી પર કબજો કરી લેશે. આ સમયે ચોંકાવનારી વાત એ છે કે, આજે જે સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાવાની છે ત્યાં વીજળી જ નથી. આ સ્ટેડિયમનું રૂપિયા 3.25 કરોડનું બિલ બાકી હોવાથી વીજળી કટ કરવામાં આવી છે. જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે, આજની આ મેચ જનરેટર પર આધારિત મેચ રહેશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ચોથી મેચ આજે છત્તીસગઢના રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતીય ટીમ હાલમાં શ્રેણીમાં 2-1થી આગળ છે. જો તેઓ આજે આ મેચ જીતશે તો શ્રેણી પર કબજો કરી લેશે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આજે જે સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાવાની છે ત્યાં વીજળી નથી.
5 વર્ષ પહેલા વીજ જોડાણ કાપી નાખ્યું હતું
આજના મહત્વપૂર્ણ મેચના થોડા કલાકો પહેલા જ સ્ટેડિયમના કેટલાક ભાગોમાં વીજળી ગાયબ થઈ ગઈ હતી કારણ કે સ્ટેડિયમના વીજળીના બિલો હજુ સુધી ચૂકવાયા નથી. સ્ટેડિયમ મેનેજમેન્ટે 2009થી વીજળીનું બિલ ચૂકવ્યું નથી. આ બિલ કુલ રૂ. 3.16 કરોડનું છે. બીલ ન ભરવાના કારણે 5 વર્ષ પહેલા સ્ટેડિયમનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું.
વીજ બિલની બાકી રકમની ચૂકવણી માટે અડધો ડઝનથી વધુ વખત નોટિસ પાઠવવામાં આવી છે અને એક વખત સ્ટેડિયમ જપ્ત કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી હતી, પરંતુ જવાબદાર અધિકારીઓ એકબીજા પર આક્ષેપ કરીને પોતાની જવાબદારીઓથી દૂર જતા જોવા મળે છે.
આજની મેચ જનરેટર પર આધારિત મેચ !
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની વિનંતી પર અસ્થાયી કનેક્શન સ્થાપિત કરવામાં આવ્યું હતું, પરંતુ તે ફક્ત દર્શક ગેલેરી અને બોક્સને આવરી લે છે. આજે મેચ દરમિયાન ફ્લડલાઈટ પ્રગટાવવા માટે જનરેટરનો ઉપયોગ કરવો પડશે.
આ પણ જુઓ :આફ્રિકા ટુર માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને શું જવાબદારી મળી ?