રાજકોટમાં વહેલી સવારથી PGVCL દ્વારા વીજ ચેકિંગ, 41 ટીમ દ્વારા 20 જેટલા વિસ્તારમાં કવાયત શરૂ
રાજકોટ શહેરમાં આજે સતત પાંચમા દિવસે ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, પટેલનગર સહિત 20 વિસ્તારમાં PGVCL દ્વારા વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા સિટી સર્કલ 1 ડિવિઝન હેઠળ આવતા પ્રહલાદ પ્લોટ, આજી 1, મિલપરા અને આજી ઇન્ડસ્ટ્રીયલ ઝોન સબ ડિવઝન વિસ્તારમાં અલગ અલગ 41 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 4 દિવસમાં 479 કનેક્શનમાંથી 95.75 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.
20 જેટલા વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ
રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી અલગ અલગ 41 ટીમો દ્વારા ધર્મેન્દ્ર રોડ બજાર, પરાબજાર, કનક નગર, અંબિકા સોસાયટી, પટેલનગર, સોરઠીયાવાડી, ખોડિયારપરા, ભરતનગર, ભીમરાવ નગર સહિત 20 જેટલા વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં 11 KVના 4 ફીડર આવરી લેવામાં આવ્યા છે.
જૂન મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 82.26 કરોડની વીજચોરી ઝડપાઇ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા 4614 કનેક્શન ચેક કરી તેમાંથી 479 ક્નેક્શનમાંથી કુલ 95.75 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જ્યારે PGVCL દ્વારા જુન મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકિંગ દરમિયાન 83,221 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી કુલ 10,127 કનેક્શનમાં 28.26 કરોડની ગેરરીતિ ઝડપાઇ હતી. તેમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં 1293 ક્નેક્શનમાંથી 390.57 લાખ અને રાજકોટ ગ્રામ્યમાં 1057 ક્નેક્શનમાંથી 326.22 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.