રાજ્યભરમાં 9મી ડિસેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલશે
- મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ.
- 5મી જાન્યુઆરી 2024 ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા આજથી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
- આ ઝુંબેશ અંતર્ગત તા.27/10/2023 ના રોજ સંકલિત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ તા. તા.27/10/2023 થી તા. 09/12/2023 સુધી મતદાર યાદીમાં નોંધાયેલા નામ કે નવા નોંધાનાર નામની અરજી અંગે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે.
હાલ મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા છે. જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તથા તમામને EPIC (મતદાર ઓળખપત્ર) ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત પુનઃગઠન બાદ કુલ 50,677 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સ્વદેશ દર્શન 2.0 હેઠળ ધોળાવીરાના વિકાસ માટે કામગીરી શરૂ
રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન આગામી તા.05/11/2023 ને ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યો છે. આ દિવસે બૂથ લેવલ ઑફિસર્સ સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રુબરુ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે.
મતદારો તેમના વિસ્તારની મતદાર નોંધણી અધિકારીની કચેરી, કલેકટર કચેરીના સ્થળો અને ખાસ ઝુંબેશની તારીખે મતદાન મથકોએ સબંધિત ભાગની મતદારયાદીનો મુસદ્દો જોઈ શકશે. મતદારોને વિનંતી છે કે પોતાનું તેમજ પરિવારજનોનું નામ મતદારયાદીમાં ચકાસી લે અને જરૂર જણાયે મુસદ્દા મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરજી ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ (BLA) ના સહકારથી મતદારયાદીના મુસદ્દાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે. તા.26 ડિસેમ્બર, 2023 સુધીમાં આ અરજીઓના નિકાલ કરવામાં આવશે.
આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને બુથ લેવલ ઑફિસર પાસે પણ હક્ક-દાવાના ફોર્મ જમા કરાવી શકાશે. વધુમાં, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને VSP ઉપર ઑનલાઈન ફોર્મ ભરી શકાશે.
આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન મળેલી હક્ક-દાવાઓની અરજીઓનો નિકાલ કરી તા.05/01/2024ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે, Image PDF ફોર્મેટમાં મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોની મતદાર યાદી જોવા મળી શકશે.
આ પણ વાંચો: રોજગાર મેળોઃ વડોદરામાં ચાર દિવ્યાંગ સહિત 67ને નિમણૂકપત્રો એનાયત