ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનમાં ચૂંટણી બની લોહિયાળ, આતંકવાદીઓએ પોલીસ વાહન પર કર્યો હુમલો

પાકિસ્તાન, 8 ફેબ્રુઆરી: પાકિસ્તાનમાં(Pakistan Election) આજે એટલે કે ગુરુવારે નવી સરકારની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. પરંતુ આ ચૂંટણીજંગ લોહિયાળ બન્યો છે. ચૂંટણી દરમિયાન સતત પડોશી દેશમાં અસ્થિરતા અને હિંસા ચાલુ છે. સમાચાર અનુસાર બલૂચિસ્તાનમાં(Balochistan) પોલીસના વાહનને બોમ્બથી(bomb blast) નિશાન બનાવવામાં આવ્યું છે, જેમાં બે લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, વિસ્ફોટ બાદ આતંકવાદીઓએ લગભગ અડધા કલાક સુધી ગોળીબાર કર્યો હતો.

આ સિવાય ખૈબર પખ્તુનખ્વામાં પણ બોમ્બ બ્લાસ્ટની માહિતી સામે આવી છે. અહીં એક વ્યક્તિના મોતના સમાચાર છે. અહીં કથિત આતંકવાદી હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. તે જ સમયે, બલૂચિસ્તાનમાં હુમલામાં જીવ ગુમાવનારા બંને લોકો પણ સુરક્ષા દળોના કર્મચારી હતા. બલૂચિસ્તાનમાં 9 લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ સામે આવી છે.

બુધવારે પણ બ્લાસ્ટ થયા હતા જેમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા

ચૂંટણી પહેલા બુધવારે પણ બલૂચિસ્તાનમાં બે બોમ્બ વિસ્ફોટ(Bomb explosion) થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો હતો જેમાં લગભગ 12 લોકો માર્યા ગયા હતા અને 25 ઘાયલ થયા હતા. આ પછી બીજો બ્લાસ્ટ અહીંના કિલા સૈફુલ્લાહ શહેરમાં થયો હતો. બંને ઘટનાઓમાં કુલ 25 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલાઓને અંજામ આપનારા તાલિબાન આતંકવાદીઓ છે.

પાકિસ્તાન ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે

નોંધનીય છે કે, પાકિસ્તાન લાંબા સમયથી રાજકીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ભ્રષ્ટાચારના આરોપમાં જેલની સજા કાપી રહ્યા છે. દરમિયાન ચૂંટણીમાં નવાઝ શરીફની સત્તામાં વાપસીની જોરદાર અટકળો ચાલી રહી છે. ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફ ગયા વર્ષે ઓક્ટોબરમાં જ દેશમાં પરત ફર્યા હતા. તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) જીતનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરી રહી છે.

સુરક્ષા તંત્રના કડક સુરક્ષા વ્યવસ્થાના દાવાઓનો પર્દાફાશ

વોટિંગ પહેલા પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ, ચૂંટણી પહેલા અને ચૂંટણીના દિવસે બનેલી આવી ઘટનાઓ દર્શાવે છે કે તેમના દાવાની વાસ્તવિકતા શું હતી. આવી ઘટનાઓથી બચવા માટે પાકિસ્તાન સરકારે વોટિંગ દરમિયાન મોબાઈલ ઈન્ટરનેટ બ્લોક કરી દીધું છે. આ સાથે ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદ પણ બંધ કરી દેવામાં આવી હતી.

પાકિસ્તાન ચૂંટણી: ઈન્ટરનેટ સેવા બંધ, પીટીઆઈએ ગણાવ્યો ‘વિશ્વાસઘાત’

Back to top button