GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી, જાણો કોની દાવેદારી છે પ્રબળ
આજે GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના માટેની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 61 હજાર કરોડની વહીવટ ધરાવતી અને દેશની ટોપની સહકારી સંસ્થા જીસીએમએમએફમાં નવા ચેરમેન માટે સૌથી મોટો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે ચૂંટણીનો આ તાજ કોના માથે જાય છે. તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આજે અમુલમાં ખેલાશે ચૂંટણીનો જંગ
દેશની ટોપ સહકારી સંસ્થા જીસીએમએમએફમાં વર્તમાન બોર્ડમાં ચેરમેન શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેન વાલમજીભાઈ હુંબલની મુદ્દત પૂર્ણતાને આરે છે. ત્યારે નવા પદાધિકારીઓની ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે. અમૂલના ચેરમેન પદ માટે આજે ખરા ખરીનો જંગ જામશે.
18 ડિરેકટર અને સ્ટેટ રજિસ્ટ્રાર મળી 19 મતથી ચૂંટણી
GCMMFના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાવાની છે. અમુલ દ્વારા અઢી વર્ષ માટે નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેને લઈને ચૂંટણી વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 18 ડિરેકટર અને સ્ટેટ રજિસ્ટ્રાર મળી 19 મતથી ચૂંટણી કરાશે. જેમાં મંગળવારે બપોરે 12 કલાકે ફેડરેશન સભાખંડમાં ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના હસ્તકની જુદી જુદી મંડળીઓના ચેરમેન મતદાન કરશે.
પ્રબળ દાવેદારોના નામ
અમૂલ ફેડરેશનના ચેરમેન નવા ચેરમેન તરીકે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને મહેસાણા ડેરીના અશોક ચૌધરી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
આ પણ વાંચો : #KLRahulAthiyaShettyWedding : કપલ લગ્નના આઉટફિટ બન્યા ચર્ચાનું કેન્દ્ર, આ જાણીતી ડિઝાઈનરે કર્યા તૈયાર