ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી જાહેર, જાણો ક્યારે છે મતદાન અને મતગણતરી

  • મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે
  • ઝારખંડમાં બે તબક્કામાં 13  અને 20 નવેમ્બરે થશે મતદાન
  • બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 23 નવેમ્બરે એક સાથે જાહેર કરાશે
  • ગુજરાતમાં વાવ બેઠકની પેટા ચૂંટણી પણ 13 નવેમ્બરે થશે

નવી દિલ્હી, 15 ઓક્ટોબર : જમ્મુ – કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ચૂંટણી પંચે આજે મંગળવારે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે.  મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને 23મીએ પરિણામ જાહેર થશે.  જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. અહીં 13 નવેમ્બર અને 20 નવેમ્બરે મતદાન થશે. આ ઉપરાંત કેરળમાં 47 વિધાનસભા મતવિસ્તાર અને 1 સંસદીય મતવિસ્તાર (વાયનાડ) તથા ગુજરાતમાં 1 વિધાનસભા બેઠક વાવ માટે 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. જ્યારે કે, ઉત્તરાખંડમાં 1 વિધાનસભા મતવિસ્તાર માટે 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. મહારાષ્ટ્રમાં 1 સંસદીય મતવિસ્તાર (નાંદેડ) માટે 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. મતગણતરી 23 નવેમ્બરે થશે.

મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે અને બહુમતીનો આંકડો 145 છે. જ્યારે ઝારખંડમાં 81 બેઠકો છે અને બહુમતીની સંખ્યા 42 છે. મહારાષ્ટ્રમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે.  ઝારખંડમાં 5 જાન્યુઆરી સુધીમાં નવી સરકારની રચના થવી જોઈએ. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાના કાર્યકાળને ધ્યાનમાં રાખીને નવેમ્બરમાં ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો છે.

ઝારખંડમાં પુરૂષો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે

ચૂંટણી કમિશનરે કહ્યું કે અમે આદિવાસી વિસ્તારો અને શહેરોની ઝૂંપડપટ્ટીના લોકોને શક્ય તેટલું મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરીશું. અમે લોકસભા ચૂંટણી દરમિયાન બસ્તરમાં આવો પ્રયાસ કર્યો હતો અને તેના સારા પરિણામો મળ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે, જેમાંથી 1.6 કરોડ મહિલાઓ છે, જ્યારે 1.3 કરોડથી વધુ પુરુષ મતદાતા છે.  આ રીતે ઝારખંડમાં પુરૂષ મતદારો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે.

મહારાષ્ટ્રમાં એક લાખથી વધુ મતદાન મથકો બનાવવામાં આવશે

મહારાષ્ટ્રમાં કુલ 1 લાખ 186 મતદાન મથકો બનાવવામાં આવશે. મહિલાઓ માટે અલગ બૂથ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત બુથ પર વૃદ્ધો અને મહિલા મતદારો રાહ જોઈને આરામ કરી શકે તે માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે. ગુનાહિત વલણ ધરાવતા ઉમેદવારોએ ત્રણ વખત મીડિયાને પોતાના વિશેની માહિતી આપવાની રહેશે.  આ સિવાય પાર્ટીઓએ એ પણ જણાવવું પડશે કે તેમને શા માટે ટિકિટ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો :- ચૂંટણી પૂર્વે અપાતી ફ્રી યોજનાઓ લાંચ જેવી : SCમાં અરજી, જાણો શું કહ્યું અરજદારે

Back to top button