ચૂંટણીઃ ફોજદારી કેસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા ચિંતાજનક! વિશ્લેષણમાં ખુલાસો
- પ્રથમ તબક્કાની 102 બેઠકોમાંથી 42 મતવિસ્તારો એવા છે કે જ્યાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારો પર ફોજદારી કેસ નોંધાયેલા છે
નવી દિલ્હી, 13 એપ્રિલ: ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 લોકસભાની બેઠકોમાંથી 42 મતવિસ્તારો એવા છે કે જ્યાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારો ફોજદારી કેસનો સામનો કરી રહ્યા છે, એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ 19 એપ્રિલે યોજાનારા પ્રથમ તબક્કામાં ચૂંટણી લડનારા 1,625માંથી 1,618 ઉમેદવારોના સ્વ-સોગંદનામાનું વિશ્લેષણ કર્યા પછી આ દાવો કર્યો છે. આ 42 લોકસભા બેઠકો પર ફોજદારી કેસ ધરાવતા ઉમેદવારોમાં 16% ઉમેદવારો વિરુદ્ધ ગંભીર અપરાધો જેવા કે હત્યા, હત્યાનો પ્રયાસ અને મહિલાઓ સામેના ગુનાઓ સામેલ છે અને રાજકીય પક્ષોએ આવા ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપી છે. વિશ્લેષણ મુજબ, 16% અથવા 252 વ્યક્તિઓના ફોજદારી કેસોમાં નામ છે, જેમાં 10% અથવા 161 વ્યક્તિઓ ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહ્યા છે. ઘણા ઉમેદવારો કરોડપતિ પણ છે, જેમાં પણ ખાસ કરીને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથ પાસે રૂ. 716 કરોડની સંપત્તિ રહેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક ટર્મ જીતવા માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.
વિશ્લેષણમાં કેટલાક આશ્ચર્યજનક આંકડા બહાર આવ્યા છે, જેમાં સાત ઉમેદવારો હત્યાના આરોપનો સામનો કરી રહ્યા છે અને 19 હત્યાના પ્રયાસના કેસમાં સામેલ છે. વધુમાં, 18 ઉમેદવારોના નામ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 376 હેઠળ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સંબંધિત કેસમાં સામેલ છે, જેમાં એક ઉમેદવાર પર દુષ્કર્મનો આરોપ પણ રહેલો છે તેમજ 35 ઉમેદવારો હેટ સ્પીચ(hate speech)ના કિસ્સાઓ સાથે જોડાયેલા છે.
પ્રથમ તબક્કામાં મતદાન થવા જઈ રહેલી 102 બેઠકોમાંથી, 41%ને “રેડ એલર્ટ” મતદારક્ષેત્ર માનવામાં આવે છે, જે દર્શાવે છે કે આ મતવિસ્તારોના બહુવિધ ઉમેદવારો સામે ફોજદારી કેસ છે. વિશ્લેષણ દર્શાવે છે કે, વિવિધ રાજકીય પક્ષો પાસે ગુનાઈત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો છે, જેમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ચારેય ઉમેદવારો અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), સમાજવાદી પાર્ટી (SP), તૃણમૂલ કોંગ્રેસ (TMC), ભારતીય જનતા પાર્ટી (BJP) તેમજ કોંગ્રેસ જેવા પક્ષોના ઉમેદવારોની નોંધપાત્ર ટકાવારીનો સમાવેશ થાય છે.
ગુનાઈત રેકોર્ડ ઉપરાંત ઉમેદવારો વચ્ચે સંપત્તિની અસમાનતા પણ રહેલી છે
ગુનાઈત રેકોર્ડ ધરાવતાં ઉમેદવારોના ઘટસ્ફોટ ઉપરાંત, ADRનું વિશ્લેષણ ઉમેદવારો વચ્ચેની સંપત્તિની અસમાનતા પર પણ પ્રકાશ પાડે છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં લગભગ 28% ઉમેદવારો “કરોડપતિ” છે, જેમની સંપત્તિ 1 કરોડ રૂપિયા કરતાં પણ વધુ છે. ઉમેદવાર દીઠ સરેરાશ સંપત્તિ રૂ. 4.51 કરોડ છે, જેમાં તમામ પાર્ટીઓ વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે.
વિશ્લેષણમાં વધુમાં જાણવા મળ્યું છે કે, મુખ્ય પક્ષોના ઘણા ઉમેદવારોએ રૂપિયા 1 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે, જેમાં મધ્ય પ્રદેશના છિંદવાડામાંથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથ રૂ. 716 કરોડની સંપત્તિ સાથે યાદીમાં મોખરે છે. લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થતા સાત તબક્કામાં યોજાવાની છે, જેમાં 4 જૂને મતગણતરી થવાની છે. આ ચૂંટણી એક મહત્વપૂર્ણ ઘટના બની રહેશે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત કાર્યકાળની ઇચ્છે ધરાવે છે. ચૂંટણીના અન્ય તબક્કા 26 એપ્રિલ, 7-મે, 13-મે, 20-મે, 25-મે અને 1 જૂનના રોજ યોજવાના છે.
આ પણ જુઓ: ચૂંટણીના પહેલા અને બીજા તબક્કામાં કેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા? જાણો