ઈલેક્શન મોડ ઓનઃ પીએમ, ગૃહમંત્રી, પ્રભારી બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાની ગુજરાત મુલાકાત ગોઠવાઈ
વિધાનસભા ચૂંંટણીના ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે ભાજપે 182ના લક્ષ્યાંક સાથે હોમ સ્ટેટને ફરી જીતવા માટે આગોતરું આયોજન શરૂ કર્યું છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીની ત્રણ દિવસીય ગુજરાત યાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સંસદીય મતવિસ્તાર ગાંધીનગરના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ભૂમિપૂજન, શિલાન્યાસ જેવા પ્રસંગો નિમિત્તે ગુજરાતની રાજકીય પરિસ્થિતીનો તાગ મેળવી રહ્યા છે. તો ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પણ પોતાની બે દિવસની ગુજરાત મુલાકાતમાં સર્વ સમાવેશી બેઠકો કરવાની સાથે અસંતોષી નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી રિપોર્ટ તૈયાર કર્યો હોવાની ચર્ચા છે. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ગુજરાત મુલાકાત ગોઠવાઈ જતા ભાજપ મોદી-શાહના હોમસ્ટેટને ફરીથી જીતવાના પ્રયાસમાં કોઈ કસર રાખવા ન માંગતુ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
29 એપ્રિલથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવશે નડ્ડા
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવવાના છે..તેમનો પ્રવાસ 29 એપ્રિલથી શરૂ થશે. નડ્ડા ગાંધીનગર પ્રદેશ કાર્યાલક ખાતે ધૂળી ધખાવશે જેમાં પ્રદેશ અધ્યક્ષથી માંડી પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠકો યોજે તેવું મનાઈ રહ્યું છે. આ સિવાય સરકારના પ્રતિનિધી એવા મંત્રી મંડળ સાથે પણ તેઓ બેઠક યોજશે. તેઓ વડોદરામાં એક અધ્યાત્મિક રેલીને પ્રસ્થાન કરાવશે. જીએમડીસી હોલ ખાતે મંડલ સ્તરના કાર્યકરો સાથે સંમેલનમાં પણ નડ્ડા હાજરી આપવાના છે. 30 એપ્રિલે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં જે.પી.નડ્ડા હાજર રહેશે. જ્યારે 1લી મે ગુજરાત સ્થાપના દિવસની પાટણ ખાતે થનાર મેગા ઉજવણીમાં તેઓ ભાગ લેવાના છે.
આમ, આ વખતે મોંઘવારી, પાટીદાર ફેક્ટર, યુવા નેતાઓ અને એન્ટી ઈનકમ્બન્સી જેવા તમામ ફેક્ટર વચ્ચે પણ ગુજરાતમાં ભાજપના વિજયરથને રોકવા માટે ભાજપની ટોચની નેતાગીરી ચૂંટણી જાહેર થવાના મહિનાઓ પહેલા જ સક્રિય થઈ ચુકી છે.
જે.પી નડ્ડા માત્ર એક જ દિવસ રોકાશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના પ્રવાસમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે તેઓ ૩ દિવસના બદલે માત્ર ૧ જ દિવસ ગુજરાતમાં રોકાણ કરશે. આગામી 29મી એપ્રિલે સવારે તેઓ અમદાવાદ પહોંચવાના છે.