ગુજરાતટોપ ન્યૂઝ

આજે બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ, ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતા લગભગ નહિવત

Text To Speech

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચની આજે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ છે. જોકે ચૂંટણી પંચના અધિકારીઓ આ પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખોની જ જાહેર કરે તેવી શક્યતા છે. જ્યારે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ આજે જાહેર નહીં કરે તેવી સંભાવના પ્રબળ છે. મીડિયા રિપોર્ટ્સમાં મુજબ નવેમ્બરના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જાહેર કરે તેવી શક્યતા વધુ
ચૂંટણી પંચની પત્રકાર પરિષદ અંગે સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર આજે ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ગત વિધાનસભા ચૂંટણી વખતે પણ પંચે 10 ઓક્ટોબરના રોજ હિમાચલની ચૂંટણી જાહેર કરી હતી. આ વખતે વેધન કન્ડિશનને ધ્યાનમાં રાખીને હિમાચલ પ્રદેશની ચૂંટણી આજે જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તારીખો 20 અથવા 22 ઓક્ટોબરના રોજ જાહેર થઇ શકે છે.

ચૂંટણી પંચ સપ્ટેમ્બરમાં ગુજરાત મુલાકાતે આવ્યું હતું
કેન્દ્રીય ચૂંટણી પંચ આગામી 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યું હતું તે દરમિયાન તેઓએ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદમાં તેમણે બે દિવસીય ચૂંટણીલક્ષી બેઠક યોજી હતી અને મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો કલેક્ટર અને પોલીસ વડા પોતાના જિલ્લાની ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન પણ કર્યું હતુ. 2022ની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચની આ પહેલી મોટી બેઠક હતી.

અત્યાર સુધીમાં ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનની ટીમ બે વાર ગુજરાત પ્રવાસે આવી ચુકી છે. એવુ માનવામાં આવતુ હોય છે કે જ્યારે પણ ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશન ચૂંટણી પહેલા રાજ્યની મુલાકાત લે છે. ત્યારે રાજ્યનો ચૂંટણીને લઇને તૈયારીઓનો ચાર્ટ, લો એન્ડ ઓર્ડર સહિતના પાસાની ચકાસણી થઇ જતી હોય છે. જે પછી તેમના દિલ્હી પરત ફર્યાના 10-15 દિવસમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતી હોય છે.

રાજ્યની મતદારયાદી જાહેર, કુલ 4.90 કરોડ મતદારો, 1417 ટ્રાન્સજેન્ડર્સ મતદાતા
તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભારતના ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદારયાદી જાહેર કરી દેવામાં આવી હતી. ચૂંટણી પંચે જાહેર કરેલી મતદારયાદી પ્રમાણે રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયો છે. આ વર્ષે કુલ 11,62,528 નવા વોટર્સ પણ નોંધાયા છે, જેઓ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે.

યુવા વોટર્સમાં મહિલા મતદારોએ વધુ નોંધણી કરાવી
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી અંતિમ મતદારયાદીમાં રાજ્યમાં 18 થી 19 વયના જૂથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે. જે પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20 થી 29 વર્ષના વય જૂથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે.

 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. જેમાંથી 40 બેઠકો અનામત છે. 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST)/આદિવાસી સમાજ માટે અનામત છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. બે બેઠકો ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ને મળી હતી, એક બેઠક NCP જીતી હતી, બાકીની ત્રણ બેઠકો પર અપક્ષની જીત થઈ હતી. ગુજરાતની ચૂંટણીમાં છેલ્લા ઘણા સમયથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ થાય છે, પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પણ તનતોડ મહેનત કરી રહી છે.

Back to top button