ECની મોબાઈલ એપ નાગરિક માટે વરદાન, ઓનલાઈન મતદાર કાર્ડ મેળવવું બન્યું સરળ


દરેકે દરેક ક્ષેત્રમાં ડિજિટલ ઈન્ડિયા સફળ નથી થયું પરંતુ અમુક ક્ષેત્રોમાં એ હદે સફળ છે કે સામાન્ય નાગરિકોનું જીવન સાવ સરળ બની ગયું છે. પંચાયતમાંથી કે કૉર્પોરેશનમાંથી ઘરને લગતા દસ્તાવેજો મેળવવાનું, જન્મ-મરણના દાખલા, એડમિશન પ્રક્રિયા જેવી અનેક બાબતોમાં ઑનલાઈન કામ કરવાની સરળતા રહે છે.
સરકારી કામોમાં ઑનલાઈન ટેન્ડર પ્રક્રિયાથી ભ્રષ્ટાચાર ઘટ્યો છે એનો કોણ ઈનકાર કરી શકે? આવું જ અદ્દભૂત કામ ચૂંટણીપંચે કર્યું છે. ચૂંટણીપંચની મોબાઈલ એપ્લિકેશન ખરેખર સામાન્ય નાગરિક માટે વરદાન બની છે.
તેના પર નવું મતદાન કાર્ડ મેળવવાનું, જૂના મતદાન કાર્ડમાં કોઈ ભૂલ હોય તો સુધારવાનું બધું જ સરળ છે. સૌથી અગત્યની વાત એ છે કે તમને અંગ્રેજી ભાષા ન આવડતી હોય તો હિન્દી અથવા તમારી પોતાની પ્રાદેશિક ભાષા પણ પસંદ કરી શકાય છે. તેમાં અંગ્રેજી અને ગુજરાતી સહિત 12 ભાષા આપવામાં આવી છે.
ચૂંટણીપંચની મોબાઈલ એપમાં મતદારોનું રજિસ્ટ્રેશન, ચૂંટણીનાં પરિણામો, ઉમેદવારોની માહિતી, ચૂંટણી પ્રક્રિયા, ફરિયાદ અને ઈવીએમને લગતી તમામ માહિતી ઉપલબ્ધ છે.
આ મોબાઈલ એપ્લિકેશનમાં તબક્કાવાર આગળ વધવાથી જે કોઈ જરૂરી માહિતી જોઈતી હોય તે મળી શકે છે.
હાલ પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે, તો તમામ રાજ્યના કુલ ઉમેદવાર, દરેક ઉમેદવારની વિગત બધું જ આ એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે.