ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભા ચૂંટણી પૂર્વે જ EC અરૂણ ગોયલનું રાજીનામું

Text To Speech

નવી દિલ્હી, 9 માર્ચ 2024 : લોકસભા ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ચૂંટણી કમિશનર અરુણ ગોયલે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરની જગ્યા પહેલેથી જ ખાલી હતી. ગોયલના રાજીનામા બાદ હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ બચ્યા છે. મહત્વનું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર સિવાય ચૂંટણી પંચમાં વધુ બે ચૂંટણી કમિશનર છે. હવે ચૂંટણી તંત્રની સમગ્ર જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભા પર આવી ગઈ છે.

રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર કર્યો

અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે ચૂંટણી તૈયારીઓ માટે ઘણા રાજ્યોની મુલાકાતે ગયા હતા. હવે તેમણે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શનિવારે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આ સંબંધમાં જારી કરવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિએ ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું સ્વીકારી લીધું છે, જેને 09 માર્ચ, 2024થી પ્રભાવી ગણવામાં આવશે.’

કોણ છે અરુણ ગોયલ ?

અરુણ ગોયલ 1985 બેચના IAS ઓફિસર રહી ચૂક્યા છે. તેમણે 18 નવેમ્બર, 2022 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને બીજા જ દિવસે ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમની નિમણૂક વિવાદાસ્પદ હતી અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, ‘વીઆરએસ લેવાના બીજા જ દિવસે અરુણ ગોયલને ચૂંટણી કમિશનર પદ પર નિયુક્ત કરવામાં આવી શું ઉતાવળ હતી’.

Back to top button