નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી : મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શનિવારે ઓડિશાની મુલાકાત દરમિયાન ચૂંટણી બોન્ડ પર કમિશનના વલણની સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર ચૂંટણી બોન્ડના મામલામાં કાર્યવાહી કરશે. પત્રકારો સાથે વાત કરતા કુમારે કહ્યું કે કમિશન હંમેશા માહિતીના પ્રવાહ અને ભાગીદારીમાં પારદર્શિતાના આધારે કામ કરે છે.
વધુમાં કુમારે કહ્યું, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં, પંચે કહ્યું છે કે તે પારદર્શિતાની તરફેણમાં છે અને જ્યારે આદેશ જારી કરવામાં આવશે, ત્યારે તે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કાર્યવાહી કરશે. ઈવીએમ વિના ચૂંટણી યોજવા પર સુપ્રીમ કોર્ટમાં એક કેસ પેન્ડિંગ છે. આ મુદ્દાને લગતા પ્રશ્નના જવાબમાં મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, નિર્ણય આવવા દો, જો જરૂર પડશે તો કોર્ટના નિર્દેશ પ્રમાણે ફેરફારો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એક ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ યોજનાને ફગાવી દીધી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે આ બંધારણ હેઠળ માહિતીના અધિકાર અને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ચૂંટણી બોન્ડ યોજનાની કાનૂની માન્યતાને પડકારતી અરજીઓના બેચ પર સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે. ચૂંટણી બોન્ડ સ્કીમ, એક રીતે, રાજકીય પક્ષોને બેનામી નાણાં મેળવવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે બેંકોને ઈલેક્ટોરલ બોન્ડ જારી કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ને 12 એપ્રિલ, 2019 થી ખરીદેલા ઈલેક્ટોરલ બોન્ડની વિગતો ચૂંટણી પંચ સાથે શેર કરવા જણાવ્યું છે.