ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી પંચે આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુને ફટકારી નોટિસ, 48 કલાકમાં માંગ્યો જવાબ

Text To Speech
  • ચંદ્રબાબુ નાયડુ પર આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો

અમરાવતી, 5 એપ્રિલ: ચૂંટણી પંચે તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન.ચંદ્રબાબુ નાયડુને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો કરવા બદલ નોટિસ પાઠવી છે. નોટિસમાં આદર્શ આચાર સંહિતા (MCC)ના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. TDPના વડા નાયડુએ 31 માર્ચે તેમના ચૂંટણી ભાષણ દરમિયાન CM જગન મોહન રેડ્ડી માટે ઘણા વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

જવાબ આપવા માટે 48 કલાકનો સમય આપ્યો 

આંધ્રપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર,ચંદ્રબાબુ નાયડુને જગન મોહન રેડ્ડી વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ અંગે સ્પષ્ટતા કરવા માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે. યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના રાજ્ય મહાસચિવ લૈલા અપ્પી રેડ્ડીની ફરિયાદ બાદ આ નોટિસ જારી કરવામાં આવી છે.

પેન ડ્રાઇવમાં ભાષણની નકલ ચૂંટણી પંચને આપવામાં આવી

નોટિસ અનુસાર, TDPના વડા એન.ચંદ્રબાબુ નાયડુએ યેમ્મીગનુર, માર્કાપુરમ અને બાપટલા મતવિસ્તારમાં યોજાયેલી ચૂંટણી રેલીઓમાં CM જગન મોહન રેડ્ડી માટે કથિત રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. YSRCPએ ચૂંટણી પંચને પેન ડ્રાઈવમાં ચંદ્રાબાબુ નાયડુના ભાષણો પૂરા પાડ્યા હતા. કમિશને નાયડુના ભાષણોની સમીક્ષા કરી છે અને કહ્યું છે કે, TDPના વડાએ પ્રથમ દૃષ્ટિએ આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાય છે.

આંધ્રપ્રદેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી 13-મેના રોજ યોજાશે

ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી 13-મેના રોજ યોજાવાની છે અને 4-જૂને મતગણતરી થશે. આંધ્રપ્રદેશ વિધાનસભામાં 175 બેઠકો છે અને કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 88 બેઠકોની જરૂર પડશે. ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની TDPએ 2014ની વિધાનસભા ચૂંટણીમાં 102 બેઠકોની બહુમતી સાથે જીત મેળવી હતી. જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની YSRCPએ 67 બેઠકો જીતી હતી. ભાજપ બે પ્રાદેશિક દિગ્ગજો સામે ચૂંટણી લડીને માત્ર ચાર બેઠકો જીતી શકી હતી. 2019ની વિધાનસભા ચૂંટણીમાં, YSRCP 151 બેઠકોની પ્રચંડ બહુમતી સાથે જીત્યો, જ્યારે TDP 23 બેઠકો પર ઘટી ગઈ.

આ પણ જુઓ: Breaking News : કોંગ્રેસે ગુજરાતમાં વધુ 3 ઉમેદવાર જાહેર કર્યા

Back to top button