ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી પંચના અંતિમ આંકડા જાહેર: પહેલા અને બીજા તબક્કામાં કેટલું મતદાન થયું? જાણો

  • પ્રથમ અને બીજા તબક્કામાં પુરુષ મતદારોની સંખ્યા કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ જોવા મળી 

નવી દિલ્હી, 1 મે: ચૂંટણી પંચ(Election Commission) દ્વારા મંગળવારે મતદાનના અંતિમ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી(Lok Sabha Elections)ના પ્રથમ અને બીજા તબક્કામાં અનુક્રમે 66.14 ટકા અને 66.71 ટકા મતદાન થયું છે. 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી જ્યાં પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું, તેમાંથી 11મા મહિલા મતદારોની સંખ્યા વધુ હતી. કોંગ્રેસ, માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાના મતદાનના 11 દિવસ પછી લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કા માટે મતદાનની ટકાવારીનાં અંતિમ આંકડા જાહેર કરવામાં આટલા લાંબા વિલંબ અંગે મંગળવારે ચૂંટણી પંચને પ્રશ્ન કર્યો હતો.

Election Commission of India
Election Commission of India

2019ની સરખામણીએ પ્રથમ તબક્કામાં કેટલું મતદાન થયું?

ચૂંટણી પંચે સત્તાવાર રીતે મતદાનના આંકડા શેર કરતી વખતે જણાવ્યું હતું કે, ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે થયેલા મતદાનમાં 66.22 ટકા પુરૂષ અને 66.07 ટકા મહિલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે કુલ નોંધાયેલા ત્રીજા લિંગના મતદારોમાંથી 31.32 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. પંચના જણાવ્યા અનુસાર, 2019ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 69.43 ટકા મતદાન થયું હતું.

ગત ચૂંટણીની સરખામણીએ બીજા તબક્કામાં ઓછું મતદાન!

પંચે જણાવ્યું હતું કે, મતદાનનો બીજો તબક્કો 26 એપ્રિલે પૂર્ણ થયો હતો જેમાં 88 બેઠકો માટે 66.99 ટકા પુરૂષ અને 66.42 ટકા મહિલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ તબક્કામાં ત્રીજા લિંગના નોંધાયેલા મતદારોમાંથી 23.86% લોકોએ મતદાન કર્યું હતું. માહિતી અનુસાર, 2019ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 69.64 ટકા મતદાન થયું હતું.

પુરુષ મતદારોની સરખામણીમાં મહિલા મતદારોની સંખ્યા વધુ

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં જે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું, તેમાંથી 11માં મહિલા મતદાતાઓની સંખ્યા વધુ હતી. આ રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, આસામ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, પુડુચેરી, તમિલનાડુ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર, બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું, જેમાંથી આસામ, બિહાર, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં પુરુષો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ હતી.

પોસ્ટલ બેલેટનો પણ અંતિમ આંકડામાં સમાવેશ કરવામાં આવશે

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે, પોસ્ટલ બેલેટની ગણતરી અને કુલ મતોની ગણતરી કર્યા પછી જ મતદાનના અંતિમ આંકડા ઉપલબ્ધ થશે. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધાએ ‘સેવા મતદારો, ગેરહાજર મતદારો જેમાં 85 વર્ષથી વધુ વયના, દિવ્યાંગ, આવશ્યક સેવાઓ ચૂંટણીની ડ્યૂટી પર કામ કરતા કર્મચારીઓ’ માટે પૂરી પાડવામાં આવે છે. કમિશને કહ્યું કે, દરેક ઉમેદવારોને દરરોજ મળતા પોસ્ટલ બેલેટની માહિતી આપવામાં આવે છે.

આ પણ જુઓ: હિન્દુ લગ્ન જરૂરી સંસ્કાર અને વિધિઓ વગર અમાન્ય: વિવાહ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

Back to top button