પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જાહેર, 7 નવેમ્બરથી મતદાન, 3 ડિસેમ્બરે મતગણતરી
નવી દિલ્હીઃ ભારતના ચૂંટણીપંચે આજે સોમવારે પાંચ રાજ્ય – મિઝોરમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગણામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. પાંચમાંથી ચાર રાજ્યમાં એક તબક્કામાં મતદાન થશે, જ્યારે માત્ર છત્તીસગઢ રાજ્યમાં બે તબક્કામાં મતદાન થશે.
પાંચે રાજ્યમાં સાત નવેમ્બરથી મતદાનનો પ્રારંભ થશે અને તમામ રાજ્યની ચૂંટણીનાં પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થશે.
ચૂંટણી કાર્યક્રમ અનુસાર મિઝોરમમાં સાતમી નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે.
છત્તીસગઢમાં સાત નવેમ્બર અને 17 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે.
એ જ રીતે મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે.
રાજસ્થાનમાં 23 નવેમ્બરે મતદાન યોજવાની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.
આ ક્રમમાં છેલ્લે 30 નવેમ્બરે તેલંગણા રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
આ પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કુલ 679 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી થશે. પાંચેય રાજ્યના કુલ 16.01 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમાં 8.2 કરોડ પુરુષ મતદારો તથા 7.8 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચની જાહેરાત અનુસાર આ પાંચ વિધાનસભામાં આ વખતે 60.02 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે.
પંચ દ્વારા આ પાંચ રાજ્યોમાં કુલ 1.77 લાખ મતદાન મથક ઊભા કરવામાં આવશે, જે પૈકી 1.01 લાખ મતદાન મથકોમાંથી સીધું વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.
પંચ દ્વારા 17,734 મોડેલ પોલિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવશે. તદ્દઉપરાંત 8,192 મતદાન મથકો સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત હશે.
ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, જે તે રાજ્યના ચૂંટણી અધિકારીઓને મતદાનના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલાં મતદાન સ્લિપ પહોંચાડી દેવાની સૂચના આપવામાં આવી છે.
મતદાન મથકોમાં કાર્યરત પોલિંગ સ્ટાફ માટે આ વખતે સૌપ્રથમ વખત તેમના પોસ્ટલ મતદાનના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી પોલિંગ સ્ટાફ તેમના ઘરેથી મત આપીને પોસ્ટ કરી શકતા હતા, પરંતુ આ વખતથી પોલિંગ સ્ટાફને ચૂંટણીના નિર્ધારિત મથકમાં તેમનો પોસ્ટલ મત આપવાનો રહેશે અને એ મત ત્યાં જ તેમની મતદાન સ્લિપ આપી દેવાની રહેશે.
શું છે આ રાજ્યોની સ્થિતિ?
મધ્યપ્રદેશઃ
રાજ્યના કુલ 5.61 કરોડ મતદારોમાંથી 2.88 કરોડ પુરુષો અને 2.72 કરોડ મહિલાઓ છે. નોંધનીય છે કે રાજ્યમાં વિધાનસભાનો કાર્યકાળ 6 જાન્યુઆરી, 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે.
રાજસ્થાનઃ
રાજસ્થાનમાં કુલ મતદારો 5.26 કરોડ છે. જેમાં 2.73 કરોડ પુરૂષ અને 2.51 કરોડ મહિલા મતદારો હતા. બીજી તરફ, રાજ્યનો કાર્યકાળ 16 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે.
છત્તીસગઢઃ
રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 2.3 કરોડ છે. જેમાં 1.2 કરોડ મહિલા મતદારો છે જ્યારે 1.1 કરોડ પુરૂષ મતદારો છે.
તેલંગાણા
કુલ 3.17 કરોડ મતદારો છે જેમાં 1 કરોડ 58 લાખ 71 હજાર પુરુષ જ્યારે 1 કરોડ 58 લાખ 43 હજાર મહિલા વોટર્સ છે. જોકે, 16 જાન્યુઆરી 2024ના રોજ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવાનો છે.
મિઝોરમઃ
વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બર 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. હાલમાં રાજ્યમાં કુલ 8.38 લાખ મતદારો છે, જેમાંથી 4.06 લાખ પુરુષ મતદારો છે જ્યારે 4.31 લાખ મહિલા મતદારો છે.