ચૂંટણી પ્રચાર કે પિકનિક! હેમા માલિની અહીં ક્યાં પહોંચી ગયાં?
- મથુરામાં મહિલાઓને ઘઉંની કાપણી થતી જોઈ હેમા માલિનીએ પોતાની કાર રોકી અને ખેતરોમાં પહોંચ્યા
- ખેતરોમાં પહોંચી હેમા માલિનીએ કાપણી કરતી સ્ત્રીઓ જોડેથી દાતરડું લઈ ઘઉંની કાપણી કરી
મથુરા, 12 એપ્રિલ: યુપીમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ઉમેદવારો મતદારોને રીઝવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. તાજેતરનો મામલો મથુરાનો છે. જ્યાં બીજેપી ઉમેદવાર અને સાંસદ હેમા માલિની ઘઉંની કાપણી કરતી મહિલાઓને મળવા પહોંચ્યાં હતાં. હેમા માલિનીએ મહિલાઓ સાથે ઘઉંની કાપણી પણ કરી હતી. ઘઉં કાપવાના ફોટા પણ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા, જે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
ગાડી રોકી હેમા માલિની પહોંચી ગયાં ખેતરમાં
લોકસભા ચૂંટણી નજીક છે દરેક ઉમેદવારો પોત પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે, હેમા માલિની પણ તેના મતવિસ્તાર બલદેવ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર કરવા જઈ રહ્યાં હતાં. દરમિયાન, કેટલીક મહિલાઓ ધોમધખતા તાપમાં ખેતરમાં ઘઉંની કાપણી કરી રહી હતી. મહિલાઓને ઘઉંની કાપણી કરતી જોઈ હેમા માલિનીએ પોતાની કાર રોકી અને ખેતરમાં પહોંચી ગયાં. હેમા માલિનીએ ખેતરમાં કામ કરી રહેલી સ્ત્રી પાસેથી દાતરડું લીધું અને ઘઉં કાપવાનું શરૂ કર્યું. બલદેવ વિસ્તારના હયાતપુર ગામમાં તેમણે મહિલાઓ સાથે વાત કરી અને તેમની સાથે ઘઉંની કાપણી કરી.
મહિલાઓ સાથે ફોટા પણ પડાવ્યા
Today I went into the farms to interact with the farmers who I have been meeting regularly these 10 years. They loved having me in their midst and insisted I pose with them which I did❤️ pic.twitter.com/iRD4y9DH4k
— Hema Malini (@dreamgirlhema) April 11, 2024
ખેતરોમાં કામ કરતી મહિલાઓ સાથે ઘઉંની કાપણી કરતી વખતે ફોટોગ્રાફ્સ લીધા, હેમા માલિની ખેતરોમાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં હતાં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું કે આજે હું ખેતરમાં જઈને એવા ખેડૂતો સાથે વાત કરી હતી જેમને હું છેલ્લા 10 વર્ષથી નિયમિત રીતે મળી રહી છું. તેમને મળીને ખૂબ જ આનંદ થયો.
હેમા માલિની મથુરાથી ભાજપના ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટી (BJP)એ સતત ત્રીજી વખત મથુરા લોકસભા સીટ પરથી હેમા માલિનીને મેદાનમાં ઉતાર્યા છે. 1991થી 1999 દરમિયાન ભાજપે મથુરાથી ચાર વખત જીત મેળવી હતી. 2004માં મથુરા સીટ કોંગ્રેસના ફાળે ગઈ હતી. 2009માં આરએલડીના જયંત ચૌધરી મથુરાથી સાંસદ બન્યા હતા. 2014માં ભાજપે હેમા માલિનીને મેદાનમાં ઉતાર્યાં હતાં, જે જીત્યાં હતાં. 2019ની ચૂંટણીમાં હેમાના પતિ એક્ટર ધર્મેન્દ્રએ પણ તેમના માટે પ્રચાર કર્યો અને તેમના પક્ષમાં ભારે ભીડ એકઠી કરી.
આ પણ વાંચો: 25 ટકા સાંસદોને લોકસભામાં મોકલનારા આ ત્રણ રાજ્યો એક રીતે દેશનું ભવિષ્ય નક્કી કરશે