ગુજરાત

ખેરાલુ તાલુકાના બળાદ ગામ સહિત 30 ગામનો ચૂંટણી બહિષ્કાર, કહ્યું – પાણીની સમસ્યાને લીધે લગ્ન થતાં નથી!

Text To Speech

મહેસાણાઃ જિલ્લામાં આવેલા છેવાડાના તાલુકાના ગામડાઓમાં વર્ષોથી પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે ખેરાલુ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં વસવાટ કરતા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયા છે. સિંચાઈ માટે પાણી નહીં મળતા ગામ લોકો વરસાદ આધારિત ખેતી કરવા મજબૂર બન્યા છે. સરકારમાં આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આખરે ખેરાલુ તાલુકાના 30 જેટલા ગામોએ સભા યોજી પાણીના મુદ્દે ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

ગામ લોકોએ ભેગાં મળી ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો

30 ગામો ચૂંટણી બહિષ્કારમાં જોડાયા
ખેરાલુ તાલુકામાં આવેલા બળાદ ગામમાં છેલ્લા કેટલાંય વર્ષથી પાણીની સમસ્યાને લઈને લોકો તોબા પોકારી ઉઠ્યા છે. સરકારમાં રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા આખરે ખેરાલુ તાલુકા બળાદ ગામમાં પાણી નહીં તો મત નહીં ના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. તેમજ બળાદ ગામ સહિત 30 જેટલા ગામોમાં પણ હાલમાં ચૂંટણી બહિષ્કારમાં જોડાયા છે.

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં

નેતાઓ વચનો આપીને જતા રહે છેઃ સ્થાનિક
ખેરાલુના ધારાસભ્ય અજમલજી ઠાકોરના ગામથી માત્ર ત્રણ કિલોમીટર અંતરમાં આવેલા ગામોમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે અગાઉ પણ છેલ્લા ત્રણ વર્ષથી ડાવોલ, ડાલીસણા અને વરેઠા ગામોમાં પાણી મામલે ગ્રામ પંચાયત, સ્થાનિક સ્વરાજ સહિતની ચૂંટણીઓના બહિષ્કાર કરી દેવામાં આવી ચૂક્યાં છે. ત્યારે આ બહિષ્કારમાં હવે નાના ગામડાંઓ પણ જોડાયા છે. લોકોના જણાવ્યા પ્રમાણે સરકારી અધિકારીઓ અને નેતાઓ આવીને ગામના લોકોનો માત્ર વચનો આપીને અહીંથી જતા રહે છે અને વળતા જોવા પણ આવતા નથી.

30 ગામડાંઓએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે

પશુઓને પીવા માટે પાણી નથીઃ દશરથભાઈ
સ્થાનિક દશરથભાઈએ જણાવ્યું કે, ‘સિંચાઈમાં બિલકુલ પાણી નથી. બધું ચોમાસા પર આધારિત છે. છેલ્લાં 5 વર્ષથી કુદરતે પણ સાથ છોડ્યો હોય એમ લાગે છે. કારણ કે હાલમાં બિલકુલ વરસાદ જ નથી. હાલમાં પશુઓને પાણી પીવા માટે મળતું નથી. બહુ હાર્ડ જીવન થઈ ગયું છે. અમે લોકો પશુપાલન ઉપર આધારિત છીએ. પશુને પીવા માટે એક દિવસમાં 50 લીટર ઓછામાં ઓછું પાણી જોવે. હાલમાં પશુ માટે આસપાસના ખેતરોમાં આવેલા બોરો પર જાઉં પડે છે.’

પશુપાલનનો વ્યવસાય ઘટ્યો
ખેરાલુ તાલુકાના બળાદ ગામમાં પાણીને લઈને પશુપાલનનો વ્યવસાય 50 ટકા થઈ ગયો છે. પહેલાં દરેક ઘરમાં 20થી 25 પશુઓ હતા. મોટા ખેડૂતો જોડે હાલમાં એમાંથી 25% પણ પશુઓ રહ્યા નથી. લોકોએ વેચી માર્યા છે. હાલમાં 10થી 12 પશુઓ રાખી રહ્યા છે.

ગામમાં કોઈ લગ્ન થતાં નથી
વળાદ ગામમાં પાણીને લઈને અનેક સમસ્યાઓ ઉદ્ભવી છે. ત્યારે આ મામલો હવે સામાજિક ધોરણે પણ નડી રહ્યો છે. જેમાં ગામલોકોના જણાવ્યા પ્રમાણે લગ્ન કરવામાં પણ તકલીફ પડે છે. ગામમાં પાણી નથી જેથી અમુક સમાજ કુટુંબ મજૂર વર્ગ હોય અને પાણી ન હોવાથી બીજાની જમીન વાવી ન શકે એમનું ગુજરાન ચાલે નહિ અને ઘરમાં કાંઈ હોય નહીં એટલે છોકરી આપવા પણ તૈયાર થતા નથી.

Back to top button